Updated - 2023-06-02 06:17:05
રમેશ ભોરણિયા તા.૭,પુરા એક વર્ષ પહેલા ભાજપની 90 દિવસની યાત્રાના સમાપન પ્રસંગે વડાપ્રધાન મોદી સાહેબે બેંગલુર પહોંચેલ રેલીને સંબોધતા કહ્યું હતું કે દેશના ખેડૂતોને મજબૂત કરવા માટે જરૂરી છે કે તેમને બટાટા, ડુંગળી અને ટામેટાના યોગ્ય ભાવ મળવા જોઇએ. (ખેડૂતોની આટલી ભેર તાણ્યા પછી પણ કર્ણાટક સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના ડબલા ડૂલ થઇ ગયા હતા.) એ વખતે એમણે ટીઓપી ફોરમ્યુલા જાહેર કરી હતી. ટી એટલે ટોમેટો, ઓ એટલે ઓનિયન (ડુંગળી), પી એટલે પોટેટો (બટાટા).
આ ફોરમ્યુલા જાહેર કર્યાના એક વર્ષ પછી પણ ટમેટા, ડુંગળી કે બટાટા પેદા કરતા ખેડૂતોની હાલત સુધરી નથી. ટમેટાના ભાવ ન હોય, ત્યારે ખેડૂતોને અનેક વખત પશુઓને ખવડાવતા કે ખેતરની બહાર ફેંકતા જોયા છે. લાલ ડુંગળીની હાલત વિષે કાંઇ કહેવા જેવું નથી.
લાલ ડુંગળીના ઉભા ખેતરોમાં રોટાવેટ ચાલતા કે ઘેટા-બકરા ચરતા આજે જોઇ શકાય છે. ખેતરેથી પીઠમાં ડુંગળી લાવવાનું વહાન ભાડું પણ ન સૂઝે ત્યારે ખેડૂતને કરવાનું શું ? પરાણે પુણ્ય કરવા સિવાયનો છૂટકો નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પેદા થતાં બટાટાના ભાવની હાલત કાંઇ હરખાવા જેવી નથી.
ટીઓપી જેવી ફોરમ્યુલાથી ખેડૂતોની આમદાની બમણી થઇ જવાની વાતો વાહિયાત લાગે છે. સભાઓમાં બોલવામાં અને કાગળ ઉપર ચિતરેલી આવી ફોરમ્યુલાથી ખેડૂતનું દળદર ફીટતું નથી. સરકારની પોકળ વાતો હવે, દેશનો ખેડૂત સારી રીતે સમજી ચૂક્યો છે. ભાજપ સરકારથી ખેડૂત વિમુખ થતો જાય છે, ઇ હજુ પણ કોઇને દેખાતું નહીં હોય ?