કૃષિ ઉત્પાદન ઓછું, છતાં ભાવ કેમ ઊંચકાતા નથી ?
Updated - 2023-06-02 10:08:15
રમેશ ભોરણિયા તા.૫, લગભગ કૃષિ જણસીઓના ભાવ ખાડે ગયા હોવા છતાં સરકાર મોટા ઉપાડે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું ગાણું ગાયે રાખે છે. છેલ્લા બે મહિનાથી લાલ ડુંગળી અને લસણના ખેડૂતો રાતે પાણીએ રડી રહ્યાં છે. મગફળી, કપાસ, મગ-અડદ કે એરંડા જેવા પાક લણતા ખેડૂતો છેલ્લા બે મહિનાથી બસ એક જ સવાલ દોહરાવી રહ્યાં છે કે દુષ્કાળ અને ઓછા વાવેતરને હિસાબે આ બધી જણસીઓનું ઉત્પાદન ઓછું હોવા છતાં ભાવ કેમ ઊંચકાતા નથી ?
પહેલા તો એક વાત સમજી લો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇજેશન (ડબલ્યુટીઓ)ના જમાનામાં દરેક માટે વિશ્વની માર્કેટ ખુલ્લી થઇ ગઇ છે. વિશ્વની માર્કેટ સામે સ્થાનીક માર્કેટના ભાવ ઉંચા હોય, ત્યારે જે તે ટ્રેડને કમાવાની જગ્યા રહેતી નથી. આવા સંજોગોમાં જે તે કૃષિ પ્રોસેસરો નિકાસને બદલે વૈશ્વિક માર્કેટમાંથી આયાત કરવા લાગે છે. છેલ્લા વર્ષ દરમિયાન ડુંગળી, લસણ, મગફળી કે કપાસ જેવા પાકમાં આવું બન્યું છે. આવા સંજોગોમાં નીચા ભાવથી વિફરેલા ખેડૂતોને સરકાર સહાયની લોલીપોપ પકડાવી દે છે. એ જ રીતે સરકાર નિકાસ પ્રોત્સાહનની પણ વાતો કરે છે, પરંતુ આવી નિકાસ સહાય આપવામાં સરકાર ઉણી ઉતરી છે.
નિકાસકારોને સબસિડી કે સહાય યોગ્ય સમયે ન મળતા દેશમાંથી રૂ, તેલીબિયા પાકો, મસાલા કે ગવાર ગમની છેલ્લા કેટલાક સમયથી નિકાસ ખાડે ગઇ છે. આમ ઓછું ઉત્પાદન હોવા છતાં ખુલ્લી બજારમાં કૃષિ જણસીના ભાવ ઉંચકાતા નથી. જે તે જણસીની વૈશ્વિક માર્કેટ નીચી હોય ત્યારે નિકાસ પ્રોત્સાહનો આપ્યા વગર ખેડૂતોને એની જણસીના પુરતા ભાવ મળી શકે નહીં, એ દિવા જેવી સ્પષ્ટ વાત છે.
