તલમાં તેજીનો લાડવો ખેડૂતના હાથમાં, ખાઇ શકે તો !

Updated - 2021-04-11 13:44:42

રમેશ ભોરણિયા તા.૩૦, તલમાં છેલ્લા ત્રણ વર્ષથી પીટાતા ઘણા ખેડૂતોએ આ વખતના ખરીફ વાવેતરમાં ચોકડી મારી દીધી હતી. હવે, જે ખેડૂતોએ ખરીફ તલની વાવણી કરી હતી, એવા ખેડૂતો વીઘા દીઠ ઉતારામાં ફાવી ગયા છે. તલ એ ઓછા વરસાદનો કે નબળા ચોમાસાનો પાક છે. ચાલું વર્ષે જ્યાં પણ તલનું વાવેતર થયું હતું, એવા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેતરોમાં ટનાટન નજારો જોવા મળ્યો હતો. આ વખતે તલના પાકમાં ક્યાંય પણ વરસાદી વિઘ્ન નડ્યું નથી.
વરસાદની ઘટ વખતે પુરક પિયત આપી આપીને સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ 16 ગુંઠાના વીઘા દીઠ સરેરાશ 8 થી 12 મણના ઉતારા લીધા છે. પાણીની ઉપલબ્ધી અને ખેડૂતની ખીદમત મુજબ તલના ઉતારા મેળવવામાં ખેડૂતો સફળ રહ્યાં છે. આ વાત થઇ ઉત્પાદનની. હવે, તલ બજારની વાત કરીએ તો ઓછો કેરીફોરવર્ડ સ્ટોક અને ઓછા ઉત્પાદનને કારણે તલની બજારને ઓંણસાલ દોડવાનો મોકો મળ્યો છે.
માત્ર એક વર્ષમાં તલના ભાવ બમણા એટલે કે રૂ.1300ના રૂ.2600 થઇ ગયા છે. એક-દોઢ વર્ષ પહેલા કાળા અને સફેદ તલના ભાવ લગોલગ આવી ગયા હતા, તે આજની તારીખે પ્રતિ 20 કિલોએ સરેરાશ રૂ.400 થી રૂ.700નો તફાવત છે. આજે પણ તલની બજાર ટકેલી છે. આગામી ઉનાળું તલના વાવેતરમાં પાણીના અભાવે મોટો કાપ આવી શકે એમ છે.
આવું ધારીને ઘણા ખેડૂતો અને નાના વેપારીઓ તલ પકડીને બેઠા છે. આવા વેપારીઓ અને ખેડૂતો સવાલ કરી રહ્યાં છે કે સફેદ તલમાં રૂ.3000 અને કાળા તલમાં રૂ.4000ની બજાર ક્યારે થશે ? એક વાત નોંધી લેવા જેવી છે. તલની વૈશ્વિક માર્કેટમાં કાયમ આપણી હરિફાઇમાં આફ્રિકન દેશો ઉભા છે. હાલ, વૈશ્વિક માર્કેટમાં આપણા ભાવ ઉંચા ચાલી રહ્યાં છે. તેથી તલની નિકાસને બદલે આયાત વધવાના સંકેતો મળી રહ્યાં છે.
તાજેતરમાં ઇથોપિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ઓઇલસીડ્સમાં આઇઓપીઇપીસીના વાઇસ ચેરમેન ખુશવંત જૈનએ કહ્યું હતું કે ગત વર્ષે 26 હજાર ટન તલ આયાત થયા હતા, તે ચાલું વર્ષે આપણા ઉંચા ભાવને કારણે ત્રણ ગણાથી વધારે આયાત થઇ શકે તેમ છે. હાલ તમામ હલ્દ ઉત્પાદકો, ફેકટરીવાળા અને નિકાસકર્તાઓ પાસે ચિક્કાર માલ પડ્યો છે. અધુરામાં પુરૂ હોય તેમ નાણાંભીડ તો છે જ. આવા સંજોગોમાં આપણા ટાર્ગેટ ન પણ ફળે. હાલમાં ટકેલ તલની તેજીનો નફો ગાંઠે બાંધી લેવામાં મઝા ! ( લખ્યાં તા.૩૦ નવે.૨૦૧૮)

(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ