સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે માવઠું-કરા પડ્યાં

Updated - 2023-06-02 06:15:27

રમેશ ભોરણિયાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારમાં વરસાદ અને કરા પડ્યાં હોવાનાં અહેવાલ મળી રહ્યાં છે. સમગ્ર કચ્છમાં ધોધમાર વરસાદની સાથે ભૂજ સહિતનાં સેન્ટરમાં બરફનાં કરા પણ પડ્યાં હતાં. ખેડૂતોનો માલ ખેતરમાં ઊભો છે અથવા તો વાઢીને રાખેલો છે એવા સમયે વરસાદ પડતાં પાકને મોટી અસર પહોંચી છે.

અતિવૃષ્ટિ-માવઠાંથી થયેલ નુકશાન પેટે ખેડૂતોને સહાય કરવાની વાત, દિવાળીની વાતથી કડે ચડી હતી. એમ સરકાર માઇબાપ માગ્યા વગર પીરશે એમ નથી. આ વાતે સૌરાષ્ટ્રના જુદા જુદા મથકો પરથી દેખાવોનો ચરૂ ઉકળતો જોઇ, સરકારે એક બાજુ 700 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી, ત્યારે બીજી બાજુ કુદરતે ગુજરાતના ઘણા વિસ્તારમાં આકરા મીજાઝથી કરા-પવન સાથે અડધા થી એક ઇંચ કમોસમી વરસાદ વરસાવી કપાસના પાકમાં બમણાંથી વધું નુકશાન પહોંચાડ્યું હશે. 

ક્યાં કેટલું કરા-પવન સાથે માવઠું થયું, એ દરેક જાગ્રૃત મીડિયાએ નોંધ્યું છે, પરંતુ એનાથી નુકશાન શું થયું તે બાબતે ખેડૂતો શું કહે છે ? મોરબી યાર્ડમાં 8 હજાર મણ કપાસ પલળ્યો, રાજકોટ યાર્ડના પટમાં ઉતરેલ મગફળીના ઢગલા પલળ્યા. તરડાઇ ગયેલ કપાસના ખેતરોમાં પાક ઢળી ગયાની સાથે વીઘા દીઠ 2 થી 4 મણની ઘટ પડશે. હાથમાં રેઇન ડેમેજ પાક આવવાનું ખેડૂતો કહી રહ્યાં છે. 

કુદરતની લીલા તો જુવો ! આ લખાય છે, ત્યારે બપોર પછીના 4 વાગ્યે કચ્છના ભૂજ, ખાવડા, જામનગર, જામખંભાળિયા, જૂનાગઢ, વંથલી, કેશોદ, મેંદરડા અને ગીર સોમનાથ પંથકમાં કરા સાથે કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યોં છે.

મોરબીના માળિયા (મિં.) તાલુકાના ઘાંટિલા ગામના અશોકભાઇ વીડજા (મો.96014 45690) કહે છે કે ઉઘડી ગયેલા કપાસની વીંણ ચાલું હતી. કરા અને પવન સાથેના વરસાદે કપાસની રોનક બગાડી નાખી છે. હળવદના સૂર્યનગર ગામના દેવજીભાઇ લકુમ (મો.99256 70449) કહે છે કે અગાઉના માવઠાંને કારણે મગફળી બગડી ગઇ, હવે કપાસનો વારો આવ્યો છે. સરકારે 700 કરોડની સહાય આપી, તો કુદરતે બમણાથી વધું છીનવી લીધું છે. 

હળવદના જ ઇશ્વરનગર ગામના પ્રફૂલભાઇ રાજપરા (મો.99799 46231) કહે છે કે ઓંણસાલની ખરીફમાં તૈયાર થયેલ મગફળીને માવઠાંનો ફટકો પડ્યો, એના કરતાં કપાસમાં મોટો ફટકો પડશે. આ વખતે સતત વરસાદને કારણે કપાસમાં સતત ફૂલ-ફાલ આવતા ગયા, એમ ખરતા ગયા છે. જે કંઇ બંધારણ થયું, એ અત્યારે ખુલ્લીને ઠેર થઇ ગયું હતું, ત્યાં માવઠાંનો વરસાદ કહે હવે, એને ખેડૂતના હાથમાં સમુ-સુતરૂ ન આવવા દેવાનું કામ મારૂ ! 

અમરેલીના નાના આંકડિયા ગામના સાગરભાઇ દેસાઇ (મો.94283 41286), અમરેલી તાલુકાના માંગવાપર ગામના મનસુખભાઇ કાછડિયા (મો.99256 85618) અને  ધારી તાલુકાના ચલાલા ગામના બચુભાઇ કાથરોટિયા (મો.93165 63400) કહે છે કે અમારા કોટન બેલ્ટમાં કમોસમી વરસાદે અમારા કપાસની પથારી ફેરવી નાખી છે. વીંણાતો કપાસ લારિયા થઇ જમીનને આંબી ગયો. ટોચનો ફાલ ખરી ગયો. કપાસ ઢળી ગયા. હવે વીંણાતા રેઇન ડેમેજ રૂના ભાવ કપાશે. 

700 કરોડની મલમપટ્ટીની જરૂર નથી, હક્કનું આપો...

રાજ્ય સરકારની 700 કરોડની જાહેરાત સામે આકરા પાણીએ થયેલ જામનગરના કાલાવડ તાલુકાના ધીરૂભાઇ ગઢિયા (મો.99044 02990), મોરબીના ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામના મનજીભાઇ જગોદરા (મો.99092 81690) અને જૂનાગઢના મેંદરડા પંથકના રાજેસર ગામના થોભણભાઇ પાનસુરિયા (મો.98799 12665) જેવા ખેડૂતો કહે છે કે સરકારે શું આદરી છે ? અમને આવા રાહતના ટુકડા ન ફેંકો. અમે પાક વીમા ધિરાણ લઇએ છીએ, પ્રિમિયમ કપાવીએ છીએ. અમને અમારી નુકશાની થઇ હોય, એટલો હક્કનો રૂપિયો મળવો જોઇએ. ખેડૂતોને રાહતરૂપી મલમપટ્ટા કરી, સરકાર ખાનગી વીમા કંપનીઓને આબાદ રીતે બચાવી રહી છે.  ( લખ્યા તા.૧૪ નવે.૨૦૧૯

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ