જીરૂ દાડે દિવસે ડાઉનઃ બજારનું શું થશે ?

Updated - 2021-08-04 05:59:16

રમેશ ભોરણિયાઃ જીરાની બજાર દાડે દિવસે તૂટી રહી છે. પ્રતિ 20 કિલોમાં રૂ.3700નું મથાડું તૂટીને રૂ.3500થી નીચે સરકી રહ્યું છે, ત્યારે કેટલાક ખેડૂતો અને નાના સ્ટોકિસ્ટો વારંવાર એક જ સવાલ કરી રહ્યાં છે કે જીરાની બજારનું શું થશે ? એક તો જીરાના સ્ટોકમાં બધાની ગણતરીઓ ખોટી પડી રહી છે. હજુ પણ માલ નીકળ્યાજ કરે છે. જે વિસ્તારોમાં પાણી છે, ત્યાં ધમધોકાર રવી પાક વાવેતરો થઇ રહ્યાં છે. એમાં ફૂલમ-ફૂલ પાણીવાળા વિસ્તારમાં ખેડૂતો ગુલાબી ઇયળોની જફાવાળો કપાસ કાઢીને ઘઉં અથવા જીરાના વાવેતર કરતાં જોઇ શકાય છે.
 રાજ્યના કૃષિ વિભાગ દ્રારા 3, ડિસેમ્બર સુધીમાં વાવેતર થયેલ આંકડા કહે છે કે ગત વર્ષની સાપેક્ષ જીરાના વાવેતરમાં 26 ટકાનો કાપ આવ્યો છે. 20, નવેમ્બર સુધીમાં નોંધાયેલ આંકડામાં 66 ટકા જીરા વાવેતરનો કાપ હતો. આમ 12 દિવસમાં 40 ટકા કાપ નાબુદ થઇ ગયો છે. આમને આમ ડિસેમ્બર મધ્યે એવું બની શકે છે કે સરકારી આંકડા સંકડાઇને ગત વર્ષની લગોલગ જીરાનું વાવેતર પહોંચી શકે છે. જો એવું બને તો ચોક્કસ એ આંકડા ઉપર વેપારીઓ અને ખેડૂતો શંકાની સૂઇ તાણી શકે છે.
મસાલા બજારના વર્તુળો કહે છે કે હવે, જીરાની બજાર પ્લસ થવા કરતાં માઇન્સ થવાના પરિબળો વધું છે. એક માત્ર આગામી સિઝન દરમિયાન હવામાનમાં કમોસમી વરસાદ થવો કે કરા પડવા જેવી કોઇ કુદરતી ઘટના બને તો જ જીરાની બજાર અપ થવાના ચાન્સ છે. જીરામાં ગત સિઝનની પ્રારંભની બજાર રૂ.2500નું તળિયું નજર સામે રાખે હાથ હળવા કરી નાખવમાં ફાયદો છે. જીરાનું ગોડાઉન ખાલી થયા પછી હાથમાં ખંજવાડ જ આવતી હોય તો જીરામાં વેપાર કરી ધાણા ભરી લેવાનું સાહસ કરી શકાય. એમ સમજોને કે પ્રતિકિલો જીરૂ રૂ.170માં વેચાય તો એ રૂપિયામાંથી કમ-સે કમ 3 કિલો ધાણા ખરીદી શકાય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં ધાણાનું વાવેતર ગત વર્ષની સાપેક્ષ કમ થયાના સિઝન પ્રારંભના અહેવાલોથી ધાણામાં દોઢા-ડબલ રૂપિયા મળવાના સંજોગો નકારી શકાય એમ નથી. (લખ્યા તા.૭ ડિસે.૨૦૧૮)
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ