Updated - 2021-03-06 22:22:31
લસણ બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં લસણનો પાક ઓછો છે અને ચીનમાં પણ પાક ઓછો હોવાથી બજારો વધી રહી છે. બીજી તરફ મહુવાથી ડિહાઈડ્રેટ લસણની મોટી નિકાસ માંગ નીકળી હોવાથી તેનો મોટો ફાયદો બજારને મળી રહ્યો છે. કેશોદનાં લસણનાં અગ્રણી વેપારી દલાલ જતીનભાઈએ જણાવ્યું હતું કેચાલુ વર્ષે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં લસણનો પાક સરેરાસ ૩૦થી ૪૦ ટકા ઓછો છે. ચીનમાં ૨૦થી ૨૫ ટકા પાક ઓછો થયો હોવાનો અંદાજ છે. જેને પગલે ચીન સહિતનાં દેશોની માંગ સારી છે. વળી લસણ ઓછું હોવાથી ડિ-હાઈડ્રેશન પાઉડરની માંગ વધારે નીકળી છે, જેને પગલે મહુવાની ફેકટરીઓ મદ્યપ્રદેશમાંથી મોટા પાયે લસણની ખરીદ કરી રહી હોવાથી બજારો મજબૂત રહે તેવી ધારણાં છે. ભારતીય ડિ-હાઈડ્રેશન પાઉડરનો ટેસ્ટ સારો રહેતો હોવાથી પણ લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળે છે.