કેન્દ્રની દુષ્કાળ સહાયઃ એકને ગોળ બીજાને ખોળ !

Updated - 2021-06-11 02:59:05

રમેશ ભોરણિયાઃ સરકાર દરરોજ ખેડૂતોને ઝાળમાં લેવા માટે નવી નવી જાહેરાતો કરી રહી છે. જે હક્કનો પાક વીમો છે, એનું તો કોઇ નામ જ લેતું નથી. કરોડોના પ્રિમિયમ ઉસેટીને ખાનગી વીમા કંપનોઓ તગડી થઇ રહી છે. આમને આમ ચૂંટણી ટપકી પડશે, ને ચૂંટણીના પરિણામો જાહેર થશે, ત્યાં વરસાદી વાદળો ગગનમાં ગાજવા લાગશે એટલે ખેડૂત બધું ભૂલી જશે. જૂનાગઢ પંથકના એક ભાજપી ખેડૂત અગ્રણીએ વહેલી સવારે ખુશીના સમાચાર આપતા કહ્યું હતું કે ખેડૂતો ખંભે પાવડો લઇ, તૈયાર થઇ જાવ મોદીસાહેબે કેન્દ્રમાંથી દુષ્કાળ રાહત ફંડનો ધોધ વહેતો કર્યો છે.
સાવ સાચી વાત. કેન્દ્ર સરકાર દ્રારા મંગળવારે 6 દુષ્કાળગ્રસ્ત રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશને કુલ રૂ.7,214 કરોડની કુદરતી આપત્તિઓ ધ્યાને લઇ, સહાય જાહેર કરી છે.
સવાર સવારમાં જ રાજકોટના પડધરી તાલુકાના ખંઢેરી ગામના યુવાન ખેડૂત જનકભાઇ ચાવડા (Mobile:98984 98002)એ વ્યંગ કર્યો કે આ સહાયમાંથી ગુજરાતને ભાગે આવેલ 127.60 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતથી એના જન્મારેય ખૂટશે નહીં. મહારાષ્ટ્રમાં શિવસેના હેઠળ ભાજપની પૂછડી દબાણી લાગે છે, તે એને કુલ રકમની 80 ટકા એટલે કે 4,714 કરોડની સહાય જાહેર કરી છે. ગુજરાતના ખેડૂતોને આટઆટલો અન્યાય થઇ રહ્યોં છે, ત્યારે કહેવાતા ખેડૂત સંગઠનોએ ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવું જોઇએ.
ફરી બપોરના સમયે પડધરી તાલુકાના જ થોરિયાળી ગામના કેશુભાઇ પેઢડિયા (મો.99787 97123)એ બળાપો કાઢ્યો. ગુજરાતને 127 કરોડ રૂપિયા સહાયનું બટકું નાખી, રાજીના રેળ કરી દીધા છે. આટલા રૂપિયા તો ગુજરાતના ખેડૂતથી ખાધી ન ખૂટે. એકને ખોળ ને બીજાને ગોળ ! આવું ક્યાં સુધી કરશો ? ઇન્પૂટ સહાયનું હજુ કાંઇ ફદિયું મળ્યું નથી, ત્યાં સરકારે ખેડૂતો માટે ઓર એક જાહેરાત કરી મુર્ખ બનાવ્યા છે. હવે, તો એક બાજુ ચૂંટણીનો બૂંગિયો ઢોલ વાગતો હોય ને બીજી બાજુ ખેડૂતોએ બાંહો ચડાવવી પડશે. જો કે ચૂંટણી સમયે ભજિયાના તાવડા મુકશે, ત્યાં ખેડૂત ગલોટિયા ખાતો ખાતો બધું ભૂલી જશે, ઇ જ મોટી કઠણાય છે. (લખ્યા તા.૩૦ જાન્યુ.૨૦૧૯)

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ