Updated - 2023-06-02 06:14:13
રમેશ ભોરણિયા તા.૨૩, રણતીડની ઓંણસાલ બે વખત બનાસકાંઠા વિસ્તારમાં તવાઇ ઉતરી છે. વિતેલા સપ્તાહમાં રણતીડ આવ્યા એની માત્રા જબ્બરજસ્ત હતી. બનાસકાંઠાના ટડાવ સેન્ટર આજુબાજુના કારેલી, ગામડી અને બાલોત્રી જેવા ગામની બંજર જમીનમાં રણતીડનો રાત્રી મુકામ હતો. તીડ ઉડ્યા ત્યારે ત્રણ કિ.મી. પહોળો અને પાંચ કિ.મી. લાંબા પટ્ટામાં જોવા મળ્યા હતા. સૂઇગામ, વાવ, દિયોદર અને ભાભર તાલુકામાં રવી વાવેતરની ઉગેલી મોલાતના ખેતરોના ખેતર તીડ ખાઇને ખેડૂતોને મોટું નુકશાન પહોંચાડ્યું હોવાના અહેવાલો મળ્યા રહ્યાં છે.
ઉગેલ શિયાળું મોલાતના ખેતરમાં તીડનું ટોળું ત્રાટકે, ત્યારે પાંચ મીનીટમાં ખેતરમાં કશું નહોતું વાવ્યું, એવું કરી નાખ્યાની વાત કરતાં બનાસકાંઠાના વાવ તાલુકાના કોળાવા ગામના માવજીભાઇ કાળાભાઇ પટેલ (મો.80008 35885) કહે છે કે અમારે ત્યાં પશુચારાની મકાઇ, રજકો, ઘઉં, ઇસબગુલ, રાઇ, મેથી, અને જીરૂ જેવી શિયાળું મોલાત 30 થી 40 દિવસની હતી. જ્યાં પણ તીડ ઉતર્યા, ત્યાં બધો શિયાળું પાક ખાઇ ચૂક્યા છે. ખેડૂતો એવા ખેતરો ખેડીને જીરૂ અને ઇસબગુલ જેવા ઓછા પિયતના પાકનું ફરીથી વાવેતર કરવા લાગ્યા છે. એરંડાની માળો રહી ગઇ છે, પાંદડા તીડ ખાઇ ગયા છે. એને પિયત આપીએ એટલે નવા પાંદડા ફૂટશે ખરા.
રણતીડની ખાસિયત જણાવતા માવજીભાઇ કહે છે કે સાંજ પડે એટલે કોઇપણ ઝાડી-ઝાંખરા કે ઝાડ ઉપર આસરો શોધી લે છે. સવારે 9 વાગ્યા સુધી આરામ કરી, ખોરાક માટે પવનની દિશામાં ટોળેટોળા ઉડવા લાગે છે. ખેડૂતો પોતાના ખેતરમાં તીડ ઉડાડવા કે ન ઉતરે એ માટે ફટાકડા ફોડવા ઉપરાંત સામુહિક રીતે થાળી-ચમચી, ડબ્બા, જે વાસણ હાથ લાગ્યું તે અને ઢોલ વગાડતા હતા. કિકિયારી અને દેકારો કરતાં હતા. હાલ તો શુક્ર-શનિવારથી તીડના ટોળા છૂટા છવાયા વિસ્તારમાં વિખેરાઇ ગયા છે.
વાવ તાલુકાના દેથડી ગામના બુઝર્ગ ખેડૂત માનસંગભાઇ ચૌધરી (મો.97253 66042) કહે છે કે તીડનો આવો હુમલો 80 વર્ષ પછી ઓંણસાલ બે વખત દેખાયો છે. અમારા વિસ્તારમાં ચાર થી પાંચ દિવસ તીડનો મુકામ રહ્યોં હતો. આ કિટક ખાઉધરૂ છે. તીડ ઉતર્યા એવાં ખેતરમાં મહિના દિવસના ઘઉં અને રાયડાના થડિયા રહ્યાં છે, કોઇપણ છોડનો લીલા પાંદડા ખાઇ ગયા છે. આ કિટક દ્રારા ઉગતા જીરા સહિતના દરેક શિયાળું પાક ખવાઇને ખેતરો સાફ થઇ ગયા છે.
માનસંગભાઇ બંને સિઝનની વાત કરતાં વધુમાં કહે છે કે ચોમાસામાં છેલ્લે છેલ્લે વરસીને કુદરતે જુવાર-બાજરી બગાડી નાખ્યા હતા. શિયાળું પાક તીડની ઝપટે ચડી ગયા છે. બંને સિઝનમાં ખેડૂતોએ ખૂબ નુકશાની સહન કરવાનો વખત આવ્યો છે.
નહેરના પાણીનો સમય પાછળ લંબાવવાની માંગણી...
બનાસકાંઠા પ્રદેશમાં તીડથી અસરગ્રસ્ત પામેલ ખેડૂતો કહે છે કે અમારા વિસ્તારમાં નહેરના પાણીથી શિયાળું પાક ઉગાડાય છે. અન્ય કોઇ પાણીના સ્ત્રોત નથી. મહિના દિવસનો શિયાળું પાક સાફ થઇ જવાને કારણે ફરી બીજી વખત વાવેતર થઇ રહ્યાં છે. સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે સામાન્ય રીતે 15, માર્ચે નહેરના પાણી બંધ થઇ જતાં હોય છે. એ સમય મર્યાદા એક મહિનો એટલે કે 15, એપ્રિલ સુધી લંબાઇ પાણી મળે તો જ હાલ નવેસરથી કરેલ વાવેતર પાકી શકે તેમ છે.