Updated - 2021-03-06 22:24:24
રમેશ ભોરણિયાઃ એક લગ્ન સમારંભમાં ગ્રાઉન્ડ લેવલના નિવૃત્ત થયેલા, બે ખેડૂત અગ્રણીઓ એકબીજાના પક્ષ ઉપર મીઠી મજાકમાં દોષારોપણ કરતો સિનારિયો સાંભળવા મળ્યો. કોંગ્રેસી ખેડૂત અગ્રણીએ આક્ષેપ કર્યો કે રાજ્યમાં ભાજપના છેલ્લા 23 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે.
ભાજપી ખેડૂત અગ્રણીએ જવાબ આપ્યોઃ હા, હો.. તમારી વાતમાં કાન પકડવો પડે. અગાઉ કોંગ્રેસની સરકારમાંય કેટલાક નેતાઓ અને અધિકારીઓ કાંઇ દૂધે ધોયેલા નહોતા. કૃષિક્ષેત્રની જ વાત કરીએ તો રેવન્યુ ક્ષેત્રથી માંડને કૃષિ સબસિડીઓમાં ધૂમ કટકી થતી હતી. એનાથી વાજ આવી ગયેલા મતદારોએ કોંગ્રેસને હટાવી ભાજપને બેસાડી હતી. ત્રીજી વ્યક્તિએ નિસ્પક્ષ જવાબ આપતા કહ્યુઃ ભાજપ હોય કે કોંગ્રેસ, ચૂંટણી આવે એટલે એક માળામાંથી બીજા માળામાં કાગડાઓની કૂદાકૂદ શરૂ થઇ જાય છે. કાગડા બધે કાળા જ હોય !
એક તરફ ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવા માટે સરકાર પારદર્શક વહિવટ માટે બધુ ઓન-લાઇન કરવા મથામણ કરી રહી છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં થયેલા ભ્રષ્ટાચાર ઉપર એક નજર. મોરબીના હળવદ પંથકમાં કાગળ ઉપર તળાવો બનાવી, લાખો રૂપિયાનું કૌંભાડ છાપરે ચડ્યું હતું.
હાલમાં જ રાજકોટના જામકંડોરણા તાલુકાના જૂના માત્રાવડ, જામદાદર, ચિત્રાવડ, રાજપર અને રાયડી ગામમાં બે વર્ષ પહેલા બનેલ ચેકડેમમાં લોટ-પાણી-લાકડા વાપરી લાખો રૂપિયાનું કૌંભાડ બહાર આવ્યું છે. અગાઉના વર્ષમાં ટેકાના ભાવની મગફળી ખરીદીમાં થયેલા કૌંભાડો વિષે તો વારંવાર શું લખવું ? ગત વર્ષે થયેલ તુવેર ખરીદીની વાત કરતાં કેશોદ પંથકના ખેડૂતે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ગત વર્ષે તુવેરની ટેકાની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આડો આંક હતો. તુવેરના ખરીદ કેન્દ્રો પર પ્રતિ 20 કિલોના રૂ.100 ઝારણ ધર્યા પછી જ ખેડૂતનો હાથ જાલવામાં આવતો હતો.
કચ્છના એક ખેડૂતે રેવન્યુ ખાતાની વાત કરી હતી કે સાચે સાચું કરવું હોય તો પણ અધિકારીઓને પ્રસાદ ધર્યા પછી જ વારસાઇ એન્ટ્રી પડે. આમાં સરકારનો પારદર્શક વહિવટ કહેવો કોને ? કેટલીક સબસિડીઓ અને સહાયમાં રોકડ રૂપિયાની ભેટ સોગાદો વગર કામ આગળ ધપતું જ ન હોવાની ફરિયાદો અનેક છે.