ડ્રીપ ઘણા પ્રશ્નો હલ કરે,પણ અપનાવે કોણ ?
Updated - 2023-03-29 08:43:25
તરઘડિયા ખાતેના સૂકી સંશોધન કેન્દ્રના કૃષિ તજજ્ઞ ડો. એમ. એસ. ગજેરાએ કહ્યું હતું કે આજે ખેતીમાં રસાયણોનો અતિરેક થઇ રહ્યોં છે. પહેલા તો મોંઘામાં મોંઘી દવા છાંટી લેવાની અને બીજા કરતા વધુમાં વધુ ખાતર નાખવાની ઘેલછામાંથી ખેડૂતોએ બહાર આવવું પડશે.
ખેડૂતોને કહીએ કે પહેલા ખેતરમાં ફેરોમોન ટ્રેપ લગાવો. તો ખેડૂતો કહે છે કે ના સાહેબ ગુલાબી ઇયળનો એક ઝાટકે ખાતમો થઇ જાય એવી દવા બતાવો, ભલે ગમે એટલી મોંઘી હોય. રાસાયણિક ખાતરના નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાન શું કામ કરે ઇ પહેલા સમજવું જરૂરી છે. ખાતર ક્યારે કામ આપે ? શું કામ આપે ? કેટલું પ્રમાણ રાખવું ? આ સવાલના ઉત્તર કોઇને જાણવા નથી. ડ્રીપ સીસ્ટમ જેવી સિંચાઇ પધ્ધતિથી ઓછું પાણી, ઓછું ખાતર, ઓછું નિંદામણ જેવા ઘણા પ્રશ્નો હલ થઇ શકે છે, પણ એ અપનાવે કોણ ? રાસાયણોના અતિરેકથી આપણી નિકાસ થયેલી જણસીઓ ઘણી વખત વિદેશમાંથી પાછી આવે છે.