Updated - 2023-01-31 00:09:55
રમેશ ભોરણિયાઃ 2012માં ધારાસભાની ચૂંટણી જીતવા માટે ભાજપની રાજ્ય સરકારે ખેડૂતોને સૌની યોજના દેખાડી બરોબરનો ખેલ પાડ્યો હતો. છાપાઓમાં આખા પાનાની જાહેરાતોમાં સૌરાષ્ટ્રના 115 ડેમો પાણીથી છલોછલ ભરવાના એમાં સપના આલેખ્યા હતા. પાછલા છ વર્ષમાં સૌરાષ્ટ્રના ચાર-પાંચ ડેમો ફરવાના ડેમોસ્ટેશન પણ થયા, પણ એ બધો ખેલ ચૂંટણી જીતવા માટે જ થયો હતો.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અંદર મોટરકાર ચાલી જાય એવડી મોટી લોખંડની પાઇપો પણ નાખવામાં આવી હતી. ટ્રાયલ પુરતી લાઇનો ચાલું કરી ઇલે. મોટરપંપ દ્રારા કેટલાક ડેમોમાં જલનું અવતરણ પણ કરવામાં આવ્યું હતું. હાલ ઘણા સમયથી જૂનાગઢના વિસાવદર પંથકમાં આવી મોટી પાઇપ લાઇનો નખાતી હોવાની માહિતી આપતા ખેડૂત હિત રક્ષક સમિતિ જૂનાગઢના અતુલભાઇ શેખડા (Mobile:9825409701) કહે છે કે જમીન સંપાદનની કોઇ લીગલી પ્રોસેશ કર્યા વગર ખેડૂતો પાસે રૂ.20ના સ્ટેમ્પ પેપર ઉપર ભોળવી અથવા ધાકધમકીથી સહિઓ કરી લેવામાં આવી છે. ખેડૂતોને વાત સમજાઇ ગઇ.
આ વિસ્તારના પીરવડ, વિછાવડ, સિરવાણિયા, હાજાણી પીપળિયા અને ધારીગુંદા જેવા ગામના ખેડૂતોએ તા.16, ડિસેમ્બરના રોજ મીટીંગ કરી સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. ખેડૂતોની સાથે અન્ય એક સંગઠન ખેડૂત સમાજે પણ ખંભો મિલાવ્યો છે. અતુલભાઇ શેખડા યોજના અંગે કહે છે કે દેખીતી નજરે સરકારનો આખો આ પ્રોજેક્ટ ખોટો છે. બે વર્ષથી તો નર્મદા ડેમમાં પુરતું પાણી ભરાતું નથી.
આ પાણી સૌરાષ્ટ્રને બીસલેરીની બોટલ કરતા પણ મોંઘું પડી શકે છે. આ પ્રોજેક્ટમાં ખેડૂતનું ભલું થવાની વાત તો દૂર રહી, માત્ર પાઇપ બનાવતી મોટી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કમાણી કરાવવાની યોજના છે. એમાં સરકારનું પણ પુરેપુરૂ હિત હોય જ. ભાજપના કમળ અને કોંગ્રેસના પંજાથી પર થઇ ચૂકેલા એક ખેડૂત અગ્રણીએ પેટછૂટી વાત આ શબ્દોમાં કરી. ઉંધી રકાબી જેવી તળભૂમિ ધરાવતો સૌરાષ્ટ્ર પ્રદેશ પહેલાથી સિંચાઇ પાણી બાબતે દુઃખી દુઃખી છે. ખેડૂતને સિંચાઇ પાણીના એક વખત સપના બતાવી દો , એટલે વાંકી પૂછડી કરી, જે તે પક્ષની પાછળ પાછળ દોડે. છેલ્લા 6 વર્ષમાં ખેડૂતોને બરોબરનું સમજાઇ ગયું છે કે સૌની યોજના બાબતે ભાજપ સરકાર મામા બનાવી ગઇ. (લખ્યા તા.૧૭ ડિસે.૨૦૧૮)
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)