Updated - 2023-01-28 17:46:37
રમેશ ભોરણિયાઃ ડુંગળીમાં ખાડે ગયેલ બજારને કારણે ઘણા ખેડૂતોએ બિટામણ કામને બ્રેક મારી દીધી છે. સૌરાષ્ટ્રના ઘણા ખેતરોમાં દિવાળી પછી કાઢેલ ડુંગળી, આજે પણ દાતરડા દેખાડ્યા વગર દાબે પડેલ જોઇ શકાય છે. ગોંડલ પીઠાના ટ્રેડર્સો કહે છે કે ડુંગળીની કુલ આવકમાં હજુ પણ પીળીપત્તીનો મેળામાલ 30 ટકા જેવો આવે છે.
ગોંડલ યાર્ડના દલાલ પ્રવીણભાઇ સરધારા કહે છે કે પોરબંદર પંથકના આદિત્યાણામાંથી શનિ અને સોમવારના એક એક ગાડી વેપારીનો મેળામાલ આવ્યો હતો. જુની ડુંગળીમાં પ્રતિ 20 કિલોના રૂ.31 થી 126ના ભાવ સામે નાસીક લાલપત્તીમાં રૂ.90 થી રૂ.171ના ભાવ હતા. આવકો 20 થી 25 ગાડીની છે. દરરોજની આવકનો વેપાર થઇ જાય છે.
રાજકોટ ડુંગળી પીઠાના ટ્રેડર્સ પ્રફૂલભાઇ રંગાણી કહે છે કે 4000 થી 4500 કટ્ટાની આવક સામે નબળામાં રૂ.50 થી રૂ.70, મીડિયમમાં રૂ.130 થી રૂ.160 અને સારી ડુંગળીમાં 180 થી રૂ.220ના ભાવ થયા છે. જુની ડુંગળીમાં 10 થી 15 ટકા જેવી આવક થાય છે. શનિ અને સોમવારના રોજ દશ-દશ રૂપિયાનો કરંટ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વખતની રવી ડુંગળીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાણીના અભાવે આ રાજ્યોમાં 30 ટકા થી 50 ટકા ડુંગળી વાવેતરમાં કાપ આવી શકે તેમ છે. (લખ્યાં તા.૩ ડિસે.૨૦૧૮)
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)