Updated - 2023-01-24 21:03:53
ગાંધીનગર તા.૨૮ રાજ્યના ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં મગ તથા અડદની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે તા.૧લી ડિસેમ્બર-૨૦૧૮થી રજીસ્ટ્રેશન થશે અને તા.૧૦મી ડિસેમ્બર-૨૦૧૮થી તા.૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ખરીદી કરાશે. રાજ્યમાં મગ માટે ૩૦ તથા અડદ માટે ૬૨ મળી કુલ ૯૯ ખરીદ કેન્દ્રો કાર્યરતકરીને ટેકાના ભાવે ખરીદી કરાશે એમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે. અત્રે
ઉલ્લેખનીય છે કે, ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા KMS-18માં લઘુતમ ટેકાના ભાવે મગ રૂા.૬૯૭૫/ પ્રતિ ક્વિન્ટલ અને અડદ રૂ.૫૬૦૦/ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું નક્કી કરાયુ છે. જે ખેડુતો પોતાનો મગ/અડદનો જથ્થો વેચવા માગતા હોય તેઓએ i-pds પોર્ટલ પર ઓનલાઇન ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૧/૧૨/૧૮ થી શરૂ કરી તા.૩૧/૧૨/૧૮ સુધી થઇ શકશે તથા રજીસ્ટ્રેશન માટે ખેડુતોએ ચાલુ વર્ષમાં મગ તથા અડદના વાવેતરના ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે.
૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. મગ તથા અડદનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ ક્વોલિટી મુજબનો ખરીદવામાં આવશે. આ અંગે ખેડુતોએ વધુ વિગતો માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.