Updated - 2023-01-29 19:10:01
રમેશ ભોરણિયાઃ રાજ્યમાં એક પછી એક તાલુકાનો દુષ્કાળ કે અછતગ્રસ્તમાં સરકાર સમાવેશ કરતી જતી હોય, એક વાત તો નક્કી થઇ ગઇ કે બહું ઓછા વિસ્તારમાં શિયાળું મોલાત પાકે એટલા પાણી છે. ગુરૂવારના રોજ રાજકોટથી શરૂ કરીને રાજકોટ તાલુકાના પરાપીપળિયા, પડધરીના ખંઢેરી, નારણકા ફરી પાછા રાજકોટ તાલુકાના આણંદપર, કોઠારિયા થઇ, ટંકારા તાલુકાના નેકનામ, હમીરપર, મિતાણા, હરિપર-ભૂતકોટડા, હરબટિયાળીથી ટંકારા તાલુકા મથક સુધીના પ્રવાસમાં એક માત્ર ધાણા વાવેતરનું ખેતર નજરે પડ્યું હતું. ગત વર્ષે આ જ રૂટ ઉપર ગણી લો ને કે કમ-સે-કમ 25 ખેતરોમાં આ સમયે ધાણા જોવા મળ્યા હતા.
આના ઉપરથી કહી શકાય કે ઓંણસાલ ધાણાના વાવેતરમાં જબ્બર કાપ આવ્યો છે. કોઠારિયા ગામે 4 પ્લસ 5 કુલ 9 વીઘામાં ધાણાનું વાવેતર કરનાર ખેડૂત રમેશભાઇ રંગાણી (Mobile:98253 80597) કહે છે કે ગત વર્ષે પણ 10 વીઘામાં ધાણાનું વાવેતર કર્યું હતું. મારા એક મિત્ર એમ કુલ અમારા બે સિવાય અમારા ગામમાં કોઇ ખેડૂતોએ ઓંણસાલ ધાણાનું વાવેતર કર્યું નથી. મને ધાણામાં દવા-ખાતરની ઓછી ખીદમતને કારણએ ધાણાની ખેતી અનુકૂળ લાગી છે. ભલે પ્રતિ 20 કિલોના રૂ.800 આસપાસના ભાવ મળ્યા હતા, પરંતુ વીઘા દીઠ સરેરાશ 15 મણિકાનો ઉતારો મળ્યો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકના ખેડૂતો કહે છે કે કાયમ ને કાયમ ધાણાના વાવેતર કર્યે રાખવાથી સૂકારાનો રોગ આવતા છેલ્લે હાથમાં કશું આવતું નથી. આમ છેલ્લા બે વર્ષથી આ વિસ્તારના ખેડૂતો ધાણાને બદલે ચણામાં નશીબ અજમાવતા જોઇ શકાય છે. અન્ય જિલ્લાના ખેડૂતોએ નીચા ભાવ અને ઓછા પાણીને કારણે ધાણાને બદલે જીરા વાવેતરમાં સાહસ કર્યા છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્રારા જાહેર થયેલ છેલ્લા આંકડા કહે છે કે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ધાણાના વાવેતરમાં 58 ટકા જેવો કાપ આવ્યો છે.