Updated - 2023-03-29 20:46:04
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીની ખરીદીમાં ભાવાંતર ભુગતાન યોજના લાગુ પડે એ માટે સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડનાં વેપારીઓ સરકાર સામે પડ્યાં છે અને જો સરકાર આ યોજના લાગુ નહીં કરે તો પહેલી નવેમ્બરથી યાર્ડો બંધ રાખવાની ચીમકી આપી છે, પરંતુ આ સંદર્ભમાં ગુજરાતનાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં આ વર્ષે આ યોજના લાગુ કરવી પ્રેકટકલી શક્ય નથી.
એક ટીવી ચેનલને મુલાકાતમાં કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે ભાવાંતર યોજના લાગુ કરવા સંદર્ભમાં મારે માર્કેટિંગ યાર્ડનાં સંચાલકોને પુછવું છે કે તમને આમા શું ફરક પડશે? માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો માલ વેચાણ કરવા માટે આવે છે અને જો યાર્ડો પોતાનાં ઓક્શનર દ્વારા ખેડૂતોને પોતાની જણસીનાં સારા ભાવ મળે એ માટે કાળજી રાખવાની સૂચના આપશે તો પણ તમે ખેડૂતોને ખૂબ મદદરૂપ થઈ શકશો. બજાર વ્યવસ્થામાં યાર્ડનો બહુ મોટો રોલ હોય છે. ખેડૂતોને વેપારીઓ બે પૈસા વધુ આપશે તો પણ મોટી રાહત થશે. ગુજરાત રાજ્યની અંદર ભારત સરકારની યાદી મુજબ ટેકાનાં ભાવની યોજના અમલમાં છે અને છેલ્લા બે-ત્રણ વર્ષથી એજ રીતે આપણે કેન્દ્રની એજન્સીઓનાં માધ્યમથી ખેતપેદાશની ખરીદી કરીએ જ છીએ.
ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવાની વેપારીઓની માંગ સામે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વેપારીઓએ મધ્યપ્રદેશમાં જઈને અભ્યાસ કરી લેવો જોઈએ. રાજ્ય સરકારે મદ્યપ્રદેશમાં એક ટીમ અભ્યાસ માટે મોકલી હતી, જ્યાં યોજના ચાલે છે તેની પાછળ પાંચથી સાત હજાર કર્મચારીઓનું આખુ અલાયદુ તંત્ર છે. આપણે ટેકાનાં ભાવથી ખરીદી કરવી હોય તો પણ એપીએમસી કે મંડળીઓનો સહારો લેવો પડે છે. તમામ મંડળીઓ પ્રમાણીકતાથી નિષ્ઠાપુર્વક કામ કરે તે પણ શક્ય નથી અમને અનેક કડવા અનુભવો થયાં છે. ભાવાંતર યોજના માટે એક અલાયદું તંત્ર ઊભું કરવું પડે, જે હાલ ગુજરાતમાં શક્ય નથી અને ભવિષ્યમાં આ પ્રકારનું માળખું ઊભું થાય એ માટે પ્રયાસ કરીશું