મજૂરો સાથેનો માનવીય વ્યવહાર, ખેતી આવકમાં વધારો કરે છે

Updated - 2021-10-16 22:37:44

હીરજી ભીંગરાડિયા :  ખેતીમાં ઉપજ આપનારાં પાત્રો છે છોડવા, ઝાડવા અને જાનવરો. એ બધા પાસેથી ઉત્પાદન લેવા માટે તેની સેવાચાકરી અને ગોવાળી માટે આપણે ગમે તેટલા કામઢા હોઇએ તો પણ એકલાની પંડ્ય મહેનતે ક્યારેય પૂરું પડતું નથી, એટલે બીજાનો સાથ સહકાર લેવો જ પડતો હોય છે. એટલે જ આપણા રોજ-બરોજના અને ઘડીએઘડીના કામમાં મદદકર્તા બનનાર- “મજૂરો” એ આપણ ખેડૂતો અને ખેતીપાક બન્ને વચ્ચેની કડી-માધ્યમ બની રહેનાર પરિબળ સમાન ગણાય છે. જેની કામ કરવાની ચીવટ અને ફાવટ આપણા ઉત્પાદન ઉપર ધારી અસર પહોંચાડનારાં સાબિત થતાં હોય છે. તેવા પાત્રોની અવજ્ઞા થાય કે તેના તરફ જરીકેય દુર્લક્ષ સેવાય એટલે સાંબેલું વાસીદામાં ગયું ગણાય ! લાંબો વખત એવું હાલ્યા કરે તો ખેતીને ખાડે જતાં બહુ વાર લાગતી નથી.

“ એ ..દેવલા !”  “ એય દિનિયા !”  “ અરે, એલા કનુડા-મનુડા ! ક્યાં મરી ગયા બધા? અહીં ઓરા ગુડાઓને કોક ! એલા નથી સંભળાતું ? હું ક્યારનો તમારા નામનું પોકરાણ મચાવી રહ્યો છું તે !” આવા વહરા વેણ કાઢવા કરતાં મજૂરોની સાથે કામ કરતાં કરતાં એનીએ વાત આપણે ......

“ એ દેવજી ! એય દિનેશ ! અરે, ભાઇ કનુ-મનુ ! કેમ કોઇ દેખાતા નથી ? એલા ભાઇ ઝટ આવજો અહીં, મારા સાદ તો સંભળાય છે ને ?”  એમ કહીને પણ કરી શક્યા હોત !

વાત એકની એક, પણ તેને રજુ કરવાની આપણી પહેલી રીત તે સામાને કરડવા દોડે એવી, રીંહ ન ચડતી હોય તેને પણ ચડે એવી- અરે, કહોને સાદ સાંભળ્યો હોય તો પણ આંખ આડા કાન જાણી જોઇને ધરી દે એવી અને બીજી રીત પરાણે વ્હાલ ઉપજાવે –સાંભળ્યા ભેળો માણસ હડી કાઢીને હાજર થઈ જાય તેવી છે. બન્નેમાં તફાવત છે સો અને છ જેટલો ! ખેડૂત કે વ્યવસ્થાપકે પોતાના મજૂરો માટે કઈ ભાષા અને ટૉન વાપરવા તે જાતે જ નક્કી કરી લેવાનું છે.

સંબંધો  “શેઠ-નોકર” ના નહીં- ધંધાના ભાગીદાર કે કામના સાથીદાર તરીકેના=

મજૂર એ જન્મજાત મજૂર નથી. પરિસ્થિતિને આધીન થઈ પેટિયું રળવા કરી રહેલા તેમના પુરુષાર્થને હીણી નજરે જોવો તે કુદરતના ગુનેગાર બનવા સમાન છે. કાલ સવારે પરિસ્થિતિ બદલાય તો તે મજૂર મટી કોઇ ધંધાના માલિક બની જઈ શકવાના પૂરા સંજોગો છે. અને ત્યારે તે પણ તેના કામમાં ટેકો પૂરનારા બીજા મજૂરો રાખતો થઈ ગયો હશે ! એટલે મજૂરને “મજૂર” તરીકે જોવા કરતાં આપણા કામના ભાગીદાર તરીકે અને આગળ કહું તો ભલે કામ મજૂર તરીકે કરતો હોવા છતાં “તે એક માણસ છે” તે વાત કદિ ન ભૂલવી જોઇએ. માનવતાને હિણપત લાગે તેવું કામ કે વર્તન તેની સાથે કરવું તે આપણી ગેર લાયકાત સાબિત કરનારું બની રહેશે.

ઉલટાનું આપણું કામ, આપણી ફેક્ટરી, આપણી પેઢી, આપણી વાડી કે બાગ-ગૌશાળા જ્યારે વિશ્વાસ મૂકી એને જ સોંપીએ છીએ અને એના દ્વારા જ બધાં કામો કરાવીએ છીએ ત્યારે તેને આ સ્થળો પોતીકાં લાગે અને આપણે પણ તેને પોતાના લાગીએ છીએ. અને આપણા કાર્યક્ષેત્રમાં કામ કરવામાં તેને સલામતી દેખાય છે. કામ પોતાનું લાગે છે. એટલે જવાબદારી પૂર્વક તેને પાર પાડવાની ધગશ રાખે છે.જો આપણે એવું ઇચ્છતા હોઇએ કે તે આપણા ધંધામાં તન અને મનથી વફાદારી પૂર્વક, દિલ રેડીને કાયમ ખાતે કામ કરે તો તે કુટુંબ-કબિલા સહિત માનભેર-સ્વમાનભેર જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડીએ.તો પછી એના દ્વારા થતી મહેનતમાં એનો બદલો મળ્યા વગર રહેતો નથી.તે વાત મારા 47 વરસોના મજૂરો સાથેના માનવીય વ્યવહારમાંથી મેં તારવી છે.

તેમને વિશ્વાસમાં લઈને કામનું આયોજન = આવતી કાલે ક્યુ કામ કરશું ? તેવું આગલી સાંજે તેમને શા માટે ન પૂછીએ ? પહેલા તેમનો અભિપ્રાય માગીએ, જરૂર લાગે તો તેમાં થોડો ફેરફાર સૂચવીએ અને બન્નેના અભિપ્રાયનો મેળ

કોણે કોણે ક્યા ક્યા કામો કરવાનાં છે અને તેમાં શી કાળજી રાખવાની છે તેની સૂચના અગાઉથી જ આપી દેવી જોઇએ. ક્યારેક બહારગામ જવાનું હોય અને આવતી કાલે હાજર ન રહી શકાય તેમ હોય તો તેવા સમયે નવા કામની થોડી શરૂઆત, કહોને રીહર્લસર કરાવી લેવું.[નજરો નજર નિદર્શન પણ હું તો કરાવી લેતો હોઉં છું] જેથી તેમને રેઢાં કામ કરવામાં ભૂલ પડે નહીં અને આપણે તેમને વઢવા કે ઠપકો દેવાનો વારો આવે જ નહીં !

સારા કરેલા કામની કરવી કદર = આપણને ખેડૂતોને અનુભવ છે કે મજૂરો દ્વારા જે કામ થાય છે તેમાં ગુણવત્તાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર જોવા મળતા હોય છે. [1] કામ ઠીક થયું હોય.  [2] કામ ખૂબ નબળું થયું હોય. અને [3] ક્યારેક કામ અતિ સારું પણ થયું હોય ! હવે જ્યારે કામ ‘ઠીક’ થયું હોય ત્યારે આપણે ‘ઠીક છે. કંઇ વાંધો નહીં’ એવું મનોમન સમજી ચલાવી લઈએ છીએ. જ્યારે કામ માપથી વધુ ‘નબળું’ થયું હોય ત્યારે આપણાથી થોડા ઊંચા અવાજે ઠપકાના રૂપમાં વઢાઇ પણ જતું હોય છે. ઠીક છે- એનું મજૂરને બહુ ખાસ માઠું તો જ ન લાગે જો એણે ક્યારેક ગુણવત્તામાં અને જથ્થામાં બન્નેરીતે ખૂબ સારું કામ કર્યું હોય ત્યારે બે શબ્દો “ શાબાશ ! સરસ હો સુખા ! આજ તારું કામ બાકી નજર ઠરે એવું થયું છે હો !” એમ પ્રશંસાના પણ થોડા શબ્દો બોલવાની આદત પાડી હોય તો. ખરુંને મિત્રો !

આમ ખેતીમાં મજૂરો પ્રત્યેની ખેડૂત કે વ્યવસ્થાપક તેરીકેની આપણી ફરજો એવીરીતે અદા કરીએ કે એનો બદલો એ આપણા ખેતીપાકો અને જાનવરોની સેવા કરીને સારામાંસારો વાળી આપવામાં કચાશ ન રાખે. “જા સાલા લડધા ! તને તો કંઇ ખબર જ નથી પડતી ! સાવ ડોબા જેવો જ રહ્યો !” તેવું તેને ક્યારેક કામ બાબતે પૂરું ધ્યાન ન પડ્યું હોય અને ભૂલ કરી બેઠો હોય છતાં આવાં આકરાં વેણ કદિ ન કહીએ. તેથી તો ઉલટાનો નિરાશ થઈ વધુ રીઢો બની જાય.પણ ધીરેધીરે સમજાવટ અને “ આ વખતે કામમાં થોડી ભૂલ પડી ગઈને ? કંઇ વાંધો નહીં ! જો ધ્યાન રાખીશ તો આ કામ તને જરૂરથી આવડી જશે” તેવી હૈયાધારણ આપતા રહેવી એજ ઉત્તમ રસ્તો લાગ્યો છે ભાઇ !

બીજા કોઇ ધંધામાં ન હોય તેટલો શારીરિક શ્રમ ખેતીમાં કરવાનો આવે છે. એટલે જરીકેય દ્રષ્ટિવાળા કે મગજ થોડુંકેય હાલતું હોય તેવા મજૂરો ખેતીકામ કરવા માટે મળવા બહુ દુર્લભ છે. “સારા ક્યારેય સાંપડવાના નથી અને આપણી ખેતીને આબધા નબળા વિનાચાલવાનું નથી !” તો પછી જે છે તેની જ પાસેથી ધીરજ, સમજણ, ખંત અને કુનેહથી કામ લેવાનું નહીં ગોઠવીએ તો આ બધાં કામો એકલા હાથે થોડા થઈ શકવાનાં છે !

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ