Updated - 2023-06-02 06:08:07
જુલાઇના અતિભારે વરસાદે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને હાથ જોડાવી દીધા હતા. એવી જ સ્થિતિ ભાવનગરના તળાજા તાલુકાના વાલર, તલ્લી અને ડાઢા જેવા દરિયાઇ પટ્ટી ઉપર આવેલ ગામોની થઇ હતી. ઉપર વાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બગર નદીમાં પુર આવ્યાની વાત કરતા વાલર ગામના કુલદિપસિંહ સરવૈયા (મો.99797 17500) કહે છે કે નદીના ધસમસતા પાણીને દરિયાએ જગ્યા ન આપી તેથી આ ત્રણેય ગામની સીમ ખેતરો ઉપર ખારા-મીઠ્ઠા પાણી ફરી વળ્યા. અમારે અહીં કપાસ અને સીંગ (મગફળી)નો પાક મુખ્ય છે. જમીનો હતી, ન હતી કરી નાખી. સરકારી સર્વે કરી ગયા પછીના કોઇ વાવડ જ નથી. છતાં વરસાદે અમારો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. આ તરફ જામનગરના જોડિયા તાલુકાના જોડિયા, કેશિયા, પીઠડ, જીરાગઢ, બોડકા, મેઘપર, સામપર, માધાપર, હજામચોરા, લતીપરથી લઇને મોરબી સુધીના પટ્ટામાં વરસાદની જબ્બર ખાધ પડી છે.
પીઠડ ગામના ખેડૂત રમેશભાઇ કાસુન્દ્રા (મો.99090 82389) કહે છે કે આ વિસ્તારમાં અત્યાર સુધીનો ગણો તો 2 ઇંચથી વધીને 5 ઇંચ વરસાદ થયો હશે. જેની પાસે ઠામુકા પાણી નથી, એવા ખેતરોના કપાસ વેંત જેવડા પણ થયા નથી, સતત ધાબડિયા હવામાનને કારણે કપાસના છોડ ટગમગી રહ્યાં છે. આદિવાસી ખેતમજૂરો ક્યારના વતન પરત થઇ ગયા છે. ખેડૂતોએ વરસાદની આશા છોડી દીધી છે. કદાચને હવે વરસાદ થાય તોય વેંત એકના કપાસમાં શું વઘારી લેવાનું રહે ? આ બંને ચિત્રો જોતા કહી શકાય કે જ્યાં ભઇલો... ભઇલો... વરસાદ છે, ત્યાં ખેડૂતોની પીડા ઓછી નથી. એ રીત વરસાદની ખાધનું વરવું ચિત્રમાં પાછોતરા વરસાદ થાય તો પાણી થાય, પરંતુ ઉપજના ગાડા તો ન જ ભરાય ! આ તો કુદરતની બલિહારી છે, ભાઇ.