Updated - 2023-06-02 06:07:18
રમેશ ભોરણિયા તા.૭, તાજેતરમાં જ બજેટમાં જાહેર કરેલ પીએમ કિસાન યોજનામાં બે હેકટર સુધી જમીન ધારક બધા જ ખેડૂતોએ તાલીઓ પાડવા જેવું નથી. આમ તો આ યોજનામાં જાહેર થયેલા રૂ.6000ની રકમ ખેડૂતો માટે કંઇ ન કહેવાય. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોએ ગણતરી માંડીને આ યોજનાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે દરરોજના રૂ.17 થયા. રૂ.17ની એક ચા પણ મળતી નથી. ખેડૂતોના કર્જ માફ કરવાનો મુદ્દો કોંગ્રેસે ચૂંટણી જીતવા મહત્વનો બનાવી લીધો છે.
ભાજપે તેની સામે દેશના 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને સ્પર્શ તો રૂ.6000 આપવાનો મુદ્દો પેશ કર્યો છે. સરકારે આ યોજનાની ગાઇડ લાઇન જાહેર કરી છે, એમાં 25 થી 30 ટકા ખેડૂતોને તો એમને એમ ચારણી લાગી જશે. જાતે ખેતી કરતા ખેડૂતોનો આમાં સમાવેશ થશે. વેપારી, ડોકટર, ઇજનેર, સીએ, શિક્ષક, કારખાનેદાર જેવા અનેક જમીન ધારકો આપોઆપ આઉટ થઇ જશે.
સરકારી નોકરિયાતનું તો જાણે ઓન રેકોર્ડ હોય. સરકરી તંત્રમાં વર્ગ-1, 2 અને 3ની નોકરી કરનાર આ યોજનાનો લાભ નહીં લઇ શકે. પતિ-પત્નીની રેકોર્ડ ઉપર ભલે ખાતા અલગ અલગ હોય, પરંતુ એ બંનેની જમીન સંયુક્ત ગણાશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની સાથે આધારકાર્ડ લીંક કરવાનું છે. જેથી દરેક ખેડૂતની જન્મોત્રી કાઢીને સરકાર એની આર્થિક સ્થિતિ જોઇ શકે.
આ યોજનાનો લાભ લેવા માટે નીચેના કાગળો રજુ કરવા પડશે, બાપલિયા. ત્યાર પછી જ ખેડૂતના ખાતામાં રૂ.2000નો હપ્તો પડશે. પહેલા તો આ યોજનાનો લાભ લેવા માટે કૃષિ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 1. મહેસુલી રેકર્ડમાં જમીન માલિકનું નામ 2. સામાજીક વર્ગીકરણ (એસટી, એસસી, ઓબીસી) 3. આધાર નંબર 4. બેંક એકાઉન્ટ નંબર 5. મોબાઇલ નંબર વગેરે. બોલો, આમાં ખેડૂતની અડધી જન્મોત્રી તો આવી ગઇ. આ યોજનાથી સરકારી તિજોરી ઉપર 75 હજાર કરોડ રૂપિયાનું ભારણ વધવાની સરકાર ભલે વાર્તા કરતી હોય, ખરેખર તો સરકારે ધારેલ અડધી રકમમાં વાવટો વિંટાઇ જશે. બોલો, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા કેટલા ખેડૂતો દોડશે ? પછી ન કહેતા કે આ તો તાડીના ઝાડ ઉપર સરકારે લટકાવેલી દ્રાક્ષ ખાટી છે !