Updated - 2023-06-02 14:05:47
ચોમાસા પહેલા હવામાન ખાતા અને કેટલાક આગાહીકારોએ વરસાદની આગાહીઓ કરી ખેડૂતોને બહું આંબા-આંબલી બતાવ્યા હતા. એ માઇલું કશું થયું નથી, ત્યારે ખેડૂતને લમણે હાથ દઇ બેસવાનો વખત આવ્યો છે. ગુજરાતમાં ૨૫ થી ૫૦ ટકા સુધી વરસાદની ખાધ હોવા છતાં સરકાર કોઇ રીતે સળવળતી નથી. સૌની યોજનાઓ ધોળા હાથીની જેમ બાંધેલી કોઇ કામની નથી. શનિવારથી રાજસ્થાન તરફથી ચોમાસું વિદાય લઇ રહ્યાંનું હવામાન ખાતું કહી રહ્યું છે, ત્યારે ખેડૂતો હજુ આગાહીકારોના વરસાદ વરતારાની તારીખો મમળાવી રહ્યાં છે. જામનગરના જાડિયા તાલુકાના લખતર ગામના પડખામાં જ ઉંડ-૨ સિંચાઇ યોજના આવેલ છે. લખતરના સુખદેવભાઇ દલસાણિયા (મો.૯૬૬૨૧ ૯૯૫૭૫) કહે છે કે ડેમના પાણી નદી અને કેનાલ દ્રારા ખરીફ પાક બચાવવામાં વપરાઇ ચૂક્યા છે. ઘઉં, લસણ કે ચણા જેવા પાક વાવેતર ઉપર ચોકડી લાગી જશે. હા, કોઇ ખેડૂતો બે-ચાર પિયત આપીને જીરા જેવો ઓછા પાણીનો પાક ઉગાડવાના પ્રયત્નો કરશે.
જામજાધપુર તાલુકાના તરસાઇ ગામના દલસુખભાઇ ખાંટ (મો.૬૩૫૨૮ ૨૩૨૪૪) કહે છે કે છેલ્લા ચાર વર્ષથી કુદરત રૂઢતા નદી-વોંકળા કોરા ધાકોડ પડ્યા છે. દુષ્કાળ જેવા વર્ષ હોવા છતાં ખેડૂતોના પાક વીમા પાસ થતા નથી, એ સૌથી મોટી સમશ્યા છે. સ્થાનીકે ગુજરાત અને દિલ્હી સુધી અરજીઓ કરવા છતાં પાક વીમા અંગે કોઇ જવાબ આપતું નથી. વીમા કંપનીઓ કરોડો રૂપિયાના પ્રિમિયમ ઉઘરાવીને પણ ખેડૂતોને ફૂટી કોડી આપતી નથી.
અમરેલીના ખાંભા તાલુકાના ડાઢિયાળી ગામના આલીંગભાઇ મોભ (મો.૯૪૨૬૩ ૭૩૬૮૪) અને સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામના રાજેશભાઇ તેરૈયા (મો.૯૯૧૩૬ ૪૫૧૩૧) કહે છે કે કૂવાના તળ માંડ માંડ જીવંત થયા હતા, ત્યાં વરસાદ વિદાય લઇ રહ્યોં છે. ખેડૂતોની કુદરત કપરી કસોટી કરી રહ્યોં છે. જે પણ કંઇ પાણી આવ્યા એ તો ખરીફ સિઝનમાં વપરાઇ જશે. શિયાળું સિઝનમાં તો તળપાણી ગોત્યા નહીં મળે. શિયાળું સિઝનમાં ખેડૂતને ખેતરે બેસીને ઝાંજ-પખાજ વગાડવાનો વખત આવશે.