Updated - 2023-06-02 13:57:25
રમેશ ભોરણિયા તા.૨૧, અમરેલીના બાબરા પંથકના એક ખેડૂતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નયી ફસલ બીમા યોજના જાહેર થયા પછી કોઇ ખેડૂતને કૃષિપાક વીમા યોજનામાં દૈઇશ પડે એમ નથી. ઘડીક ગામ બ્લોક, તો ઘડીક તાલુકા બ્લોક. સરકાર પાક વીમા યોજનામાં મન ફાવે એવા ફતવા કાઢે છે.
સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનો નજીક આવે એટલે ખેડૂતને બેંકમાંથી કે સહકારી મંડળીમાંથી લીધેલ પાક ધિરાણ જુનું-નવું કરવાની ચિંતા સતાવતી હોય છે. ખેડૂતનો દિકરો પછી તે અભણ હોય કે ભણેલ હોય, કૃષિ ધિરાણ આપતા બેંક અધિકારીના ટેબલે જઇ કહે છે કે ફલાણા ફલાણા નામના કેટલા પૈસા ભરવાના થાય છે ?
અધિકારી બે ચોપડા અને છેલ્લે કોમ્યુટરમાં નોક-જોક કરી ચીઠ્ઠી બનાવી આપે છે કે આવતીકાલની તારીખે આટલી રકમ ભરવાની થાય છે. કામ પત્યું. બસ, ખેડૂત લાગી જાય છે રૂપિયાનો વેંત કરવામાં. કોઇ ખેડૂત સવાલ નથી કરતો કે કેટલું પ્રિમિયમ થયું ? વ્યાજ કેટલું થયું ? ગત વર્ષે સમય મર્યાદામાં ધિરાણ ભરી દેવાથી વ્યાજમાં કેટલું રીબેટ મળ્યું ? કોઇ સવાલ જ નહીં. માત્ર ને માત્ર એક જ સવાલ પુછે છે કે કાંઇ વીમો-બીમો જમા થયો કે નહીં ? બેંકને પણ ખબર છે કે કોઇ કિસાન વિજય માલ્યા કે નિરવ મોદીની જેમ ટોપી પહેરાવવાનો નથી. પાક યોજનામાં કોઇને ટપ્પો પડતો જ નથી.