ફુલોની નિકાસનું મહત્વ અને નિકાસ માટે જરૂરી ગુણવત્તા અને પ્રમાણ

Updated - 2023-03-30 11:38:22

 દિવસે દિવસે ફૂલપાકોની ખેતીમાં ખૂબજ પ્રગતિ થતી રહી છે. ફુલોના સ્થાનિક વેપાર સાથે બહારના દેશોમાં નિકાસ કરીને મોટું હુંડિયામણ પણ કમાવી  શકાય છે. એક અંદાજ મુજબ ભારતમાં એક લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ફુલોની ખેતી થાય છે. જેમાં આશરે ૫૦૦ હેક્ટર જેટ્લો વિસ્તાર ગ્રીન હાઉસ હેઠળની ખેતીનો હોવાથી ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતોના ફુલો તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. આપણા દેશમાંથી થતી આ નિકાસમાં કટફ્લાવર્સ, ફૂલછોડની ગાંઠો અને બીજ, ફૂલ છોડમાંથી કાઢેલ સુગંધી તેલ અથવા અર્ક વગેરે રૂપમાં પરદેશમાં નિકાસ થાય છે. આ જુદી જુદી પેદાશોની નિકાસ મુખ્યત્વે અનુક્રમે યુ.એચ.એ. (૨૭ %) , નેધરલેંડ(૧૪%), જાપાન(૧૩%), જર્મની (૬%), તેમજ અન્ય દેશોમાં પણ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા પછી  ત્રીજા નંબરે આવે છે.

વિદેશમાં ફૂલ પેદાશો મોકલવા માટે ઉત્પાદનની ખુબજ ઉચી ગુણવતા જાળવવી પડતી હોય છે. આંતરરાષ્ટ્રિય ધોરણો પ્રમાણેની ફૂલ પેદાશો ઉત્પન્ન કરવા તેમજ બજારમાં ઉચા ભાવ મેળવવા માટે ફૂલ પેદાશોનું મુલ્ય વર્ધન કરવું ખાસ જરૂરી છે. ફૂલપાકની ગુણવતા આંતરરાષ્ટ્રિય ધોરણની જાળવવા માટે આપણે નીચે મુજબની જુદી જુદી માવજતો આપીને મુલ્ય વૃધ્ધિ કરી  શકીએ છીએ.

ફુલોની કિંમતમાં મુલ્ય વૃધ્ધિની રીતો :- 

• ગ્રાહકની જરૂરીયાત મુજબની જાતો પસંદ કરવી.

• ફુલોની યોગ્ય પરિપક્વ અવસ્થાએ કાપણી કરવી. 

• કાપણી બાદ કટ્ફ્લાવર્સને શીતાગારની માવજત આપવી.

• ફુલોના સંગ્રણ, પરિવહન અને ઉપયોગ દરમિયાન ટકાઉ શક્તિ વધુ રહે તેવી રાસાયણિક માવજતો આપવી.

• રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય બજારમાં ધોરણો પ્રમાણે ગ્રેડિંગ કરવુ. 

• નિકાસ માટે આંતરરાષ્ટ્રિય ધોરણો મુજબના પેકિંગ કરવુ.

• પેકિંગ કરેલ ફુલોને શીતાગારમાં સંગ્રહ કરવો કે શીત પરિવહન દ્વારા પરદેશ મોકલવા. 

• ફુલોમાંથી બુકે, બટન હોલ, ફ્લોરલ એરેન્જમેન્ટ, હાર, વેણી, ગજરા જેવી વસ્તુઓ બનાવી તેની મૂળ કિમંતમાં અનેક ગણો વધારો કરી શકાય.

• સફેદ રંગના કટફ્લાવર્સ જુદા જુદા રંગની માવજત આપી રંગબેરંગી અને આકષર્ક બનાવી શકાય.

• સુગંધીત ફુલોમાંથી બાષ્પશીલ તેલ / અર્ક કાઢી પરફ્યુમરી અને ઔષધિય ઉપયોગ માટે વેચાણ કરતા ખુબજ ઉચું મુલ્ય મેળવી શકાય.

• ફુલોની સુકવણી કરી ફ્લોરલ ક્રાફ્ટસ બનાવી મૂળ કિંમતમાં વધારો કરી ઉચા ભાવ મેળવી શકાય. 

નિકાસ માટે કટફ્લાવર્સની અગત્યની ખાસીયતો  

• ફૂલને સીધુ ઉભુ રાખી શકે તેવી મજબુત અને સીધી ફૂલ દાંડી

• એક સરખી ફૂલ દાંડીની લંબાઇ 

• જે તે જાત પ્રમાણેનો ફૂલનો આકાર અને કદ 

• વિકાસનો એક સરખો દર અને તબક્કો 

• કોઇ જાતની વિકૃતીઓથી ફૂલ મુક્ત હોવું જોઇએ

• રોગ કે જીવાત મુક્ત હોવુ જોઇએ 

• ફૂલની લાંબી ટકાઉ શક્તિ 

• ફૂલને ટકાઉ શક્તિ વધારવા સિવાય અન્ય કોઇ માવજત આપેલ ન હોવી જોઇએ

• ફૂલ સાથેના પાન ચમકતા, લીલા રંગના, તંદુરસ્ત અને રોગમુક્ત હોવા જોઇએ

અલ્પેશકુમાર બારડ, શ્રદ્ધા સાવંત, સંકેત પટેલ

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

 

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ