Updated - 2023-03-30 06:03:23
હીરજી ભીંગરાડિયાઃ પ્રયોગ પરથી ખ્યાલ આવ્યો છે કે બેઠા બેઠાની સરખામણીએ ઊભા ઊભા કેટલીક પ્રક્રિયાઓ વધુ ઝડપથી, કષ્ટમુક્ત રીતે અને અસરકારક રીતે કરી શકાતી હોય છે. દા.ત.પુરુષોએ નીચે બેસીને કરવાને બદલે ઊભા ઊભા કરવામાં આવતી લધુશંકા માટેની મુતરડીઓ, ઊભા ઊભા રસોઇ બનાવવાના ઊભારસોડા, ઊભા ઊભા જમવા માટેના બૂફે જમણવારો અને અમે ફળોના ગ્રેડીંગ માટે શરૂ કરેલ ઊભા ઉભા કામ કરી શકાય તેવો “ગ્રેડીંગ ફ્રેંડ” – ચારણો- આ બધા ઊભા ઊભા કામ કરવામાં વધારે અનુકૂળ થતાં સાધનો આપણે વસાવ્યા જ છે ને ?
તેવું જ બહુ વાંકાવળી, વેલો ફંફોસી-ઢંઢોળી, ઊંચા-નીચા કરી જમીનપર ઢુંગલું વળી, ફળોને સોડ્યમાં સંતાડી પડી રહેલ વેલા પરથી ફળો ઉતારવાની સરખામણીએ, ઉપર ઝૂલતા-ટીંગાતા વેલામાંથી ઊભા ઊભા ફળો ઉતારવાનું પણ વધુ ફાવે છે. કંટાળો આવવાને બદલે કામ કરવાનું વધુ ગમે છે. અને સાચું કહું ? જેમાં મજા આવેને ! એ કામની કિંમત રૂપિયા-આના પાઇમાં ન મૂલવાય ! એની કિંમત એ તો દિલના રંગનું મૂલ ગણાય ! જે કામમાં ખેડૂતને મજા આવતી થઈ જાય ને ? તે ધંધાની ભાત્ય જુદી પડ્યા વિનારહેતી નથી મિત્રો !
ક્યા ક્યા વેલાવાળા પાકોને “માંડવા” ની જરૂર છે ?
તમે જોયું તો નહીં હોય, પણ સાંભળ્યું એ નહીં હોય કે દોઢ બે કીલોથી માંડી દસ અને વીસ વીસ કીલોનું એક ફળ થાય તેવા તરબૂચ, કોળાં, કે ડાંગરા ચિભડાના વેલાને કોઇએ માંડવે ચડાવી ઉત્પાદન લીધા હોય !
નવી ટેક્નોલોજી પ્રમાણે તરબૂચનો ગોળ ઘાટ પેકીગમાં અગવડતા વાળો છે. એને એક ઉપર એક એમ ઢબકલાની માફક ગોઠવી શકાય તે માટે ‘ચોરસ’ ઘાટના તરબૂચ તૈયાર કરાવા માંડ્યા છે.-તે વાતથી તમે પણ વાકેફ હશો જ ! પણ એનું માંડવે ચડાવી ઉત્પાદન લેવાની વાત નહીં સાંભળી હોય ! એ એટલા માટે કે તેના ડીંટિયા અને વેલાની ભાર ઝીલવાની ક્ષમતા કરતાં ફળોનું વજન માથાભારે હોય છે. એને જો લટકવાનું ગોઠવ્યું હોય તો વેલો જ નેવકો તૂટીને મરી જાય !
પણ દૂધી, તૂરિયાં, કારેલાં, ગલકાં,ટીંડોરાં, વાલપાપડી,ચોળી, કાકડી,દ્રાક્ષ વગેરેને માંડવા ઊપર અવશ્ય ચડાવી દેવાય અને તેની પાસેથી ધાર્યા કરતાં ઘણું વધારે ઉત્પાદન આપવાની તેને ફરજ પાડી શકાય.
હા, ટમેટી જેવા અર્ધ વેલડી જાત જેવા શકભાજીના પાકને માંડવે ન ચડાવીએ તો કંઇ નહીં, પણ જમીન ઉપર સાવ ગુંચળું વળીને પડી રહેવા દેવાને બદલે ચાસ ઉપર તાર બાંધી ,તેની સાથે સૂતળી કે કપડાંના લીરાથી ડાળીઓ ટીંગાડી કે બાજુમાં ડંડાનો ટેકો ખોડી તેની સાથે ક્યાંક ક્યાંક વેલાને બાંધી દઈ ઊંચે રાખવામાં આવે તો તેને પણ "માંડવા” જેવાજ બધા લાભો આપી શકાય છે.
“ માંડવા” નો હેતુ કેવીરીતે પાર પાડી શકાય ? =
આપણે કામ રોટલાથી છે-ટપાકાથી નહીં ! વેલા કેવા સ્થળે અને કઈ પરિસ્થિતિમાં ઉગ્યા છે તે જોઇ તેને ખેડૂતની ક્ષમતા અને પહોંચ, વખત પ્રમાણે સગવડ કરી દે એટલે પછી વેલાને એમાં શું વાંધો હોઇ શકે ભલા ! આપણે તો તેના જરૂરી હેતુઓ પાર પડી રહે અને એ ઉત્પાદન વધારવામાં કારગત નીવડે એટલે ભયો ભયો !
[1] ટેકરો, પાળો, ગાળનો ઢગલો =
સપાટ જમીન કરતાં માટીનો પાળો, ઢોરો, નાનો ટેકરો કે કૂવાના ગાળનો ઢગલો શંકુ આકારનો હોવાથી એને ઉપલી સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાનું. વળી, વચ્ચેની જગ્યા ઉંચી હોવાથી હવા અને પ્રકાશ બન્ને માટે કુલ સપાટી વધુ મળવાની.આવી જગ્યાઓ શોધી શોધી વેલાની રોપણી કરાય તો ઉત્પાદન વગર ખર્ચે વધારે મળે છે.
[2] હાથવગા ડાળી-પાંખરનો ઉપયોગ =
ક્યારેક બીજા વધારાના ખર્ચ કરવાને બદલે વાવેતર કરેલા વેલા નાના હોય ત્યાં તૂવેરના નાના છોડ, કપાસની મોટી સાંઠી, દિવેલાની ડાળીઓ વગેરે ને ચાસની બાજુમાં ખાડો કરી લાઈનબધ્ધ રોપી દેવાથી વેલા તેના પર ચડી જઈ બધા જ હેતૂઓ પાર પાડી શકે છે. સાવ મામૂલી મહેનત અને હાથવગા ઇંધણ જેવા માધ્યમથી સીઝન લઈ શકાય છે.
[3] વાડના ઝાળાં –ઝાંખરાં ને ઉપયોગમાં લઈ =
ક્યારેક વેલાવાળા પાકોનું શેઢે શેઢે વાવેતર કરવાથી શેઢાની વાડના ઝાંખરા પર વેલો ચડી જઈને પણ સરસ ઉત્પાદન આપી શકે છે. વેલાના થડિયાં વાડીમાં હોય અને વેલાનો ઘેરાવો બધો વાડ ઉપર પથરાએલો હોય ! વેલાને આવું અવલંબન ખૂબ ફાવતું હોય છે.
[4] લાકડાનો માંડવો =
થોડી વધારે મહેનત અને ખર્ચ કર્યા હોય તો લાકડાના ટેકા-થાંભલીઓ ખોડી, ઉપર આડી-અવળી દોરી બાંધી, થોડો સરખી રીતે વ્યવસ્થિત માંડવો બનાવ્યો હોય તો લાંબો સમય લાભ મળતો હોય છે.
[5] પાકો મંડપ =
કાયમ વેલાવાળા અને બહુવર્ષીય પાકોની ખેતી ફાવી ગઈ હોય તેવા ખેડૂતો લોખંડ કે સિમેંટના થાંભલાને જમીનમાં સિમેંટ-રેતીનું ફાંઉડેશન ભરીને ઊભા કરી, ઉપર ગેલ્વેનાઇઝના આડા-ઊભા વાયરની ચોકડી પાડી વ્યવસ્થિત કાયમી મંડપ બનાવતા હોય છે. આવા મંડપ મોટાભાગે કંટોલા, ટીંડોરા,અને પરવળની ખેતી કરતા અને આર્થિક ક્ષમતાવાળા ખેડૂતોની વાડીઓમાં જોવા મળતા હોય છે. દ્રાક્ષ ભલે શાકભાજીનો વેલો નથી, પણ એ ફળવેલી એવી રજવાડી ‘વેલરાણી’ છે કે તેને જમીન પરનું બેસણું મુદ્દલે ફાવતું નથી. વ્યવસ્થિત અને પાક્કો મંડપ હોય તો તેની ખેતી કરનારને ખળાંઢળાં કરી દેતી હોય છે.
જેવી જેની સ્થિતિ અને પાકની પરિસ્થિતિ. તે પ્રમાણે આયોજન કરી શકાય. પણ જમીન પર રખડતો રહેવા દેવાની સરખામણીએ વેલાને ઊંચે આસને બેસારવાથી દોઢથી અઢીગણું ઉત્પાદન વધ્યાનો અનુભવ છે તે વાત પાક્કી છે. દૂર ક્યાં છે ? કરી જૂઓને તમે પણ !