ઉનાળુ મગની વૈજ્ઞાનિક ઢબે ખેતી પદ્ધતિ

Updated - 2023-06-02 06:04:27

મગનું વાવેતર ગુજરાત, કચ્છ અને સૌરષ્ટ્રમાં ર થી ર.પ લાખ હેકટરમાં કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં કાળા મગનું વાવેતર થાય છે. મગ એકલા પાક કે આંતરપાક તરીકે ખૂબ અનુકૂળ કઠોળ પાક છે. ટૂંકાગાળાનો પાક હોવાથી ઘનિષ્ટ પાક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પૂરતા પ્રમાણમાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં બહુલક્ષીય પાક પદ્ધતિમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે.
વાવણી અંતરઃ
 બે ચાસ વચ્ચે ૩૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખવું (૧૦ દિવસે પારવણી કરવી અને ખાલા પૂરવા)
બીજ દર અને જાતઃ
એક હેકટર જમીનમાં વાવણીયાથી વાવેતર કરવા માટે ૧પ થી ર૦ કિલોગ્રામ બીજ પ્રતિ હેકટર અને પૂંખીને વાવવા માટે ર૦ થી રપ કિલોગ્રામ પ્રતિ હેકટર બીજની વાવણી કરવી.
જાત પાકવાના દિવસો દાણાનો રંગ ઉત્પાદન
કિ.ગ્રા./ હે. શીંગ બેસવાનો પ્રકાર ખાસિયતો
ગુજરાત–૧ ૭પ–૮૦ ચળકતો લીલો ૮૦૦–૧૦૦૦ છૂટી સવાઈ ભેજની ખેંચ સામે ટકી શકે
ગુજરાત–ર પપ–૬૦ ચળકતો લીલો ૮૦૦–૧૦૦૦ ઝૂમખામાં ઉનાળુ/ચોમાસા માટે
ગુજરાત–૩ ૬પ–૭પ ઘાટો લીલો ૧ર૦૦–૧૪૦૦ ઝૂમખામાં બેકટેરિયલ બ્લાઈટ સામે પ્રતિકારક
ગુજરાત–૪ ૭૦–૭પ ઘાટો લીલો ૧ર૦૦–૧૪૦૦ ઝૂમખામાં બેકટેરિયલ બ્લાઈટ સામે પ્રતિકારક
સાબરમતી પપ–૬૦ આછો લીલો ૧૦૦૦–૧ર૦૦ ઝૂમખામાં પીળા પચરંગીયા સામે પ્રતિકારક
કે–૮પ૧ ૬૦–૬પ ચળકતો લીલો ૧ર૦૦–૧૯૦૦ ઝૂમખામાં મોઝેક રોગ સામે પ્રતિકારક
બીજ માવજતઃ
ફૂગનાશક દવા થાયરમ/બાવિસ્ટીનનો ૧.પ થી ૩ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવો.
રાઈઝોબિયમઃ
વધુ ઉત્પાદન મેળવવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી બીજને બાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી. (ર૦૦ થી રપ૦ ગ્રામ જી.એમ.બી.એસ.–૧ પ્રતિ ૮ થી ૧૦ કિલો બીજ પ્રમાણે પટ આપવો)
રાસાયણિક ખાતરઃ
મગના પાકને ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦ કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવું. સલ્ફરની ઉણપ હોય તેવી જમીનમાં ર૦ કિલોગ્રામ સલ્ફર આપવું.
નિંદણ નિયંત્રણ અને આંતર ખેડઃ
મગ ટૂંકા ગાળાનો પાક હોવાથી નિંદામણ મુકત રાખવાથી સારુ ઉત્પાદન મળે છે. છોડની વૃદ્ધિ અને વિકાસ માટે પાકને પ્રથમ ૩૦ દિવસ સુધી બિલકુલ નિંદામણ મુકત રાખવું જરૂરી છે. પાક અવસ્થા દરમિયાન બે નિંદામણ અને બે આંતર ખેડ કરવાની ભલામણ છે. અથવા મગની વાવણી બાદ અને પાક ઉગતાં પહેલાં ૧.પ કિલો પેન્ડીમિથાલીન પ્રતિ હેકટર પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાની ભલામણ છે.
પિયતઃ
મગનું વાવેતર ઓળવણ કર્યા પછી વરાપ થયેથી કરવું. પ્રથમ પિયત જમીનના પ્રમાણે ખેંચવા દઈને રપ થી ૩૦ દિવસે ફૂલની શરૂઆત થયા પછી આપવું. જમીન હલકી હોય તો પ્રથમ ર૦ દિવસે અને ત્યાર પછી ૧૦ થી ૧પ દિવસના અંતરે ૪ થ પ પિયતની જરૂર પડે છે. જો કોરાંટમાં વાવેતર કર્યું હોય તો પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ તરત જ અને ત્યારબાદ બીજું પિયત પાંચમાં દિવસે સારા ઉગાવા માટે આપવું. અને તે પછી ૧પ દિવસના અંતરે ૪ થી પ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મળે છે.
પાક સંરક્ષણઃ
જીવાતઃ આ પાકમાં ફૂલ અવસ્થાની શરૂઆત સમયે ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે, મોલોમશી, સફેદ માખી કે લીલા તડતડિયાનો ઉપદ્રવ જોવા મળે છે. આ માટે ડાઈમીથોએટ ૦.૦૩% અથવા ફોસ્ફામીડોન અથવા મિથાઈલ ઓડીમેટોન ૦.૦૪% પ્રમાણે પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. મગની શિંગો કોરી ખાનાર લીલી ઈયળના નિયંત્રણ માટે ૦.૦૪%નું દ્રાવણ ૧ થી ર છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે.
રોગઃ મગ સહિત મોટાભાગના પાકમાં પંચરંગિયો રોગ જોવા મળે છે જે વિષાણુંથી થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાવતી હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત ઘણીવાર ભૂકી છારો રોગ જોવા મળ જેના નિયંત્રણ માટે ૦.૧પ% વેટેબલ ગંધક અથવા કાર્બેન્ડાઝીમ ૦.રપ%ના દ્રાવણના ૧પ દિવસના અંતર ત્રણ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
કાપણીઃ
મગના પાકમાં છોડ પર મોટાભાગની શિંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારના સમયે એકથી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરૂર ન હોય તો પાકની કાપણી કરી શિંગોને ખેતરમાં જ પાથરા કરીને સૂકાવા દેવી. ત્યારબાદ બળદથી અથવા થ્રેસરથી દાણા છૂટા પાડવા. દાણા સાફ કરી, ગ્રેડિંગ કરી, જંતુરહિત કોથળા અથવા કોઠીઓમાં ભરવા.
પી.એચ. ઝાલા, ટી.ડી. કપુરિયા અને વી.વી. રૂપારેલીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ