ઓર્ગેનીક ઉત્પાદનના વેચાણ માટે ભુલાતું મહત્વનું પરિબળ: ગ્રાહક

Updated - 2023-03-29 08:42:46

રમણ ઓઝાઃ એક મુલ્યાંકન મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા દસેક વર્ષથી સજીવ/ઓર્ગેનીક ખેતીનું વાવેતર સતત વધતુ જાય છે. ચાલુ ખેતીમાંથી સજીવ ખેતી તરફ દિન પ્રતિદિન ખેડુતોની સંખ્યા નોંધપાત્ર રીતે વધતી જાય છે. ખેડુતોમાં સજીવ ખેતી અંગે જાગરુકતા આવતી જાય છે. ખેડુતો નાના નાના જુથમાં એકઠા થઇ સજીવ ખેતી અંગેની સમજણ મેળવી સ્વયંભુ રીતે સજીવ ખેતી તરફ વળ્યા છે. રાજ્યમાં કોઇક જગ્યાએ ખેડુતોના મોટા ગૃપ મળી સજીવ ખેતી અંગેની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ગામડા લેવલે નાની નાની ખેડુત શીબીરો થઇ રહી છે. સરકાર કક્ષાએથી પણ કૃષિ વિકાસ કેન્દ્રો/ખેડુત તાલીમ કેન્દ્રો દ્વારા બે થી પાંચ દિવસની તાલીમનું આયોજન કરી તાલીમ આપવામાં આવી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ પાંચ દિવસની તાલિમ આપી ખેડુતોમાં સજીવ ખેતી અંગે જાગરુકતા લાવવામાં આવી રહી છે. કોણ કહે છે કે યુવાન ખેતીથી દુર ભાગી રહ્યો છે. મારા અનુંભવે આંખોને ઉડીને વળગે તેવી એક વાત છે કે આ તાલીમ વર્ગોમાં યુવાનોની સંખ્યા નોંધપાત્ર હોય છે. રીટાયર્ડ અધિકારીઓ કે જે ખેતીવાડીને લગતા હોય કે અન્ય કેટેગરીના હોય તેઓ પણ આવી તાલીમમાં જોડાઇ સજીવ ખેતી કરવા તૈયારી બતાવે છે. આમ મારા મતે આવતા વર્ષોમાં ગુજરાત રાજ્ય દેશ અને દુનિયામાં ઓર્ગેનીક ઉત્પાદનોનું હબ બની શકે છે તેમાં નવાઇ નહી હોય.

હવે મારે અહીં એક ખાસ વાત કરવાની છે કે સજીવ ખેતી કરતા ખેડુતોને હાલમાં એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે અને તે છે માર્કેટીંગ... હા બજાર.... બજાર વ્યવસ્થા. આ બજાર વ્યવસ્થા સ્થાનિક તેમજ નિકાશ બજાર વ્યવસ્થા પણ હોઇ શકે.

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫ માં ઓર્ગેનીક પોલીસી બહાર પાડી છે. આ પોલીસીમાં સજીવ ઉત્પાદનોના વેપાર/વેચાણ માટેના અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે અને કઇંક અંશે તેની અમલવારી પણ કરવામાં આવી રહી છે. પોલીસી ના મુદ્દા નં ૪.૯.૩ મુજબ ગ્રાહક જાગૃતી નો પોલીસીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

પોલીસીને જાહેર કર્યાને ત્રણ વર્ષ ઉપર થવા જઇ રહ્યા છે છતાં આજદિન સુધી રાજ્યમાં કોઇપણ જગ્યાએ સજીવ ઉત્પાદન નો ઉપયોગ વિષેનો ગ્રાહક જાગૃતિ અંગેનો એક પણ પ્રોગ્રામ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.

અગાઉ જણાવ્યું તેમ ખેડુતોમાં સજીવ ખેતી કરી જમીનનું રક્ષણ કરી બીન ઝેરી ઉત્પાદન ઉત્પન્ન કરવા બાબતે  સરકાર, જાહેર સંસ્થાઓ, એનજીઓ, ખેડુતોના સ્વયંભુ નાના મોટા સમુહો વિગેરે મારફતે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. પરંતુ ઉપરના તમામ પરિબળોએ આજદિન સુધી ઉપભોગકર્તા (ગ્રાહક) જાગૃતી તરફી જરાકે ધ્યાન આપેલ નથી.

સજીવઉત્પાદનો શું છે? હાલમાં બજારમાં મળતા ખાદ્ય/અખાદ્ય ઉત્પાદનો અને સજીવ ઉત્પાદનો વચ્ચે શું ફર્ક છે? હાલના ઉત્પાદનો ખાવાથી/ઉપયોગ કરવાથી તેની માનવ શરીર પર કેવી ભયંકર અસરો થાય છે, બજારમાં મળતા શાકભાજી શું ખરેખર ખાવા યોગ્ય છે? છેલ્લી અર્ધી સદીથી આવા ઝેરી ઉત્પાદનો વાપરવાથી/ખાવાથી માનવ શરીરમાં કેવા કેવા અસાધ્ય રોગો ઘર કરી ગયા છે, કેવા કેવા નવા રોગો ઉભા થઇ રહ્યા છે  તેની જાણ ગ્રાહકોમાં છે? તાજુ જન્મેલુ બાળક પણ વગર વાંકે ઝેર ખાવાનું ચાલુ કરી દે છે તેની એની માને ખબર છે? નવયુવાન યુવક-યુવતીઓ પોતાની પ્રજનન શક્તિ ગુમાવી રહ્યા છે તેનાથી માહીતગાર છે? આ બધાનો જવાબ નામાં જ છે. વિશ્વમાં દર વર્ષે સવા કરોડ કેન્સરના દર્દીઓનો ઉમેરો થાય છે. માનવ શરીરમાં દાખલ થઇ ચુકેલ આવા અનેક અસાધ્ય રોગોની આગેકુચનું લીસ્ટ ઘણું લાંબું છે.  દિવસે દિવસે નવા નવા દવાખાના/હોસ્પીટલો ખુલી રહ્યા છે તેમાં હરખાવાની જરુર નથી.

સજીવ ખેતીના ઉત્પાદનો સ્વાદીષ્ટ હોય છે તેમજ તેની સંગ્રહ શક્તિ ખુબજ સારી હોય છે જેનાથી તેનો બગાડ ઓછો થાય છે જેના કારણે ખરીદ શક્તિમાં વધારો થાય છે. સજીવ ઉત્પાદનોમાં હાલના ચાલુ ઉત્પાદનો કરતાં માનવ શરીરને ફાયદાકારક તત્વોનું પ્રમાણ ખુબજ સારુ હોય છે.

આમ ઉપરના તમામ તેમજ અન્ય પરિબળોથી જો ઉપભોગકર્તા (ગ્રાહક) ને વાકેફ કરવામાં આવે તો મને નથી લાગતુ કે સજીવ ખેતીકર્તા ખેડુતોનુ પ્રમાણ દિન પ્રતિદિન જે વધી રહ્યું છે તેના કરતાં બમણા જોરથી ઉપભોગ કર્તાનું પ્રમાણ ના વધે. અને આ કામ ફક્ત સરકારજ નહીં પણ તમામ ક્ષેત્રે કે જે પરિબળો સજીવ ખેતીના પ્રચાર પ્રસાર માં લાગેલ છે તે તમામ જો આ ગ્રાહક જાગૃતિ અભિયાનમાં લાગી જાય તો ઉત્પન્નકર્તા અને ઉપભોગ કર્તા બંન્નેનું હીત જળવાઇ રહે. માનવ પોતાની તંદુરસ્તી તરફ સતત સજાગ હોય જ છે.  (લેખક ઓર્ગેનિક સજીવ ખેતીનાં સલાહકાર અને નિવૃત ક્વોલિટી મેનેજર, ગોપકા, ગુજરાત છે. મો.9714633660)

(કૃષિ પ્રભાતની વેબસાઈટ કે  એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં. )

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ