Updated - 2023-06-02 11:33:22
રમણ ઓઝાઃ રાજ્યમાં અલગ અલગ નામથી સજીવ ખેતી થઇ રહી છે. ખેડુતો ખુબ હોંશે હોંશે સજીવ ખેતી કરી રહ્યા છે. સજીવ ખેતીનો સ્વિકાર થઇ રહ્યો છે તે ખુબ આનંદની વાત છે. સજીવ ખેતીમાં ઉત્પાદન ઘટ આવે તો પણ ખેડુત મિત્રો સજીવ ખેતી દિવસે દિવસે અપનાવી રહ્યા છે. એવા પણ દાખલા રુપ ખેડુતો છે કે જેઓ સજીવ ખેતીમાં ખુબ સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ મોટા ભાગના ખેડુતોને એ ખબર નથી કે એમણે કયુ બિયારણ વાવવુ જોઇએ.
બિયારણની પસંદગી એ સજીવ ખેતીનું મહત્વનું અને પાયાનું અંગ છે. હાલમાં જોવા મળે છે કે સજીવ ખેતી કરતા અને કપાસનું વાવેતર કરતા ખેડુતો બીટી કપાસનું વાવેતર હોંશે હોંશે કરે છે અને સારુ ઉત્પાદન મેળવે છે. પણ એમને ખબર નથી કે તેઓ સજીવ ખેતી નથી કરી રહ્યા પરંતુ એજ ચાલુ ઝેર યુક્ત ખેતી કરી રહ્યા છે. જ્યારે પુછવામાં આવે છે તો કહે છે કે હુ ગાય આધારીત ખેતી કરૂ છુ. કોઇ પણ પ્રકારનું રાસાયણીક ખાતર કે દવા વાપરતો નથી એટલે મારી ખેતી સજીવ છે. મિત્રો સજીવ ખેતી કે જીરો બજેટ ખેતી કે ઓર્ગેનીક ખેતી કે નેચરલ ખેતી એટલે એવુ માની લેવાની જરૂર નથી કે રસાયણિક ખાતર દવા વાપરતા નથી એટલે કે સજીવ કે ઓર્ગેનીક કે અન્ય પ્રકારની કુદરતી ખેતી ગણાય. સજીવ ખેતીના અનેક નામો જે હોય તે પણ દરેકમાં બિયારણની પસંદગી પણ ખુબ અગત્યનું પરિબળ છે. (www.krushiprabhat.com)
ખેડુત મિત્રો આપ એ તો માનો છો કે સજીવ ખેતીમાં કુદરતી સ્ત્રોતો નો ઉપયોગ કરી ને ખેતી કરવાની હોય છે. કુદરત આધિન ખેતી કરવાની હોય છે. તમને સજીવ ખેતી પ્રચારકોએ પણ એવુ જ કઇંક શિખવાડેલ હશે. ખેડુત મિત્રો આપ લોકો જાણો છો કે આ બીટી કપાસ એ શું છે?
બીટી કપાસ એ કોઇ કુદરતે આપેલ કપાસની જાત નથી. બીટી કપાસ એ માનવે જાતે કુદરતના કામમાં સળી કરી બનાવેલ જાત છે. કુદરતે દરેક સજીવના શરીરના બંધારણમાં ચોક્કસ પ્રકારના જીન આપેલ છે. તેમ કપાસમાં પણ કુદરતે ચોક્કસ પ્રકારના જીનથી તેનું બંધારણ કરેલ છે. પરંતુ આ કાળા માથાના માનવીએ તેમાં દખલ કરી કપાસના જીંડવામાં ઇયળ ના પડે અને કપાસના રુ ને પણ નુકશાન ના થાય અને રૂ ની ક્વોલીટી સારી બને તે માટે તેના જીનમાં બહારથી એક નવું જીન ઉમેરી કુદરતના કામમાં અડચણ ઉભી કરી છે. (શરુઆતના વર્ષોમાં ઇયળના કંટ્રોલમાં સફળતા મળી પરંતુ ફરીથી એજ ઇયળ પાછી બીટી કપાસમાં દેખાવા લાગી છે.) આ બીટી કપાસનું વાવેતર માનવ જાત, પર્યાવરણ અને જમીન માટે હાનીકારક છે તે અંગે ઘણા સંશોધનો થઇ ચુક્યા છે. અને આજ કારણોસર ભારત સરકારની સજીવ ખેતીનો પ્રોગ્રામ “National Programe for Organic Production” ની ગાઇડ લાઇન – ધારા ધોરણો માં દર્શાવ્યા મુજબ કોઇ પણ બીટી બિયારણ સજીવ ખેતી માટે માન્ય નથી. તો જે ખેડુત મિત્રો બીટી કપાસની ખેતી કરે છે તેને સજીવ ખેતી કેવી રીતે કહી શકાય?
સજીવ (ઓર્ગેનીક) કપાસનો ઉપયોગ ટેક્ષ્સટાઇલ ઉદ્યોગમાં ઓર્ગેનીક કાપડ તેમજ અન્ય બનાવટોમાં થાય છે અને તેમાં આ બીટી કપાસ માન્ય નથી. ટેક્ષ્સ્ટાઇલનું પણ ઓર્ગેનીક સર્ટીફીકેશન થાય છે તો શા માટે આપણે એવું ના કરીએ કે બીટી સિવાયની અન્ય આનુંવંશિક વૈવિધતા ધરાવતી જાતોનું વાવેતર કરી તેનું સર્ટીફીકેશન કરાવી આપણા કપાસના ઉત્પાદનને વેલ્યુ એડેડ ના બનાવીએ?
ભારત સરકારની સજીવ ખેતીનો પ્રોગ્રામ “National Programe for Organic Production” ની ગાઇડ લાઇન–ધારા ધોરણો મુજબ સજીવ ખેતીમાં હંમેશા સજીવ એટલે કે ઓર્ગેનીક સર્ટીફાઇડ બિયારણ/ધરૂ કે વનસ્પતિના ભાગોનો જ ઉપયોગ કરવાનો હોય છે. (ઓર્ગેનીક એટલે ઓર્ગેનીક ખેતીથી ઉત્પન્ન થયેલ બિયારણ). ધોરણો મુજબ બિયારણ/ ધરૂ કે વનસ્પતીના ભાગોની એવી જાતો પસંદ કરવી કે આપના ખેતરના હવામાનને યોગ્ય હોય, રોગ કે કીટકોથી પ્રતિકાર શક્તિ ધરાવતી હોય. આ સિવાય આનુંવંશિક વિવિધતા ધરાવતી જાતો પણ વાપરી શકાય છે. જો બિયારણ કે ધરુ (Plant Materials) ઓર્ગેનીક સર્ટીફાઇડ ના હોય અને ખાલી ઓર્ગેનીક ઉપલબ્ધ હોય તો તે પણ વાપરી શકાશે. જો ઓર્ગેનીક સર્ટીફાઇડ બિયારણ પ્રાપ્ય ના હોય તો કેમીકલી અનટ્રીટેડ બિયારણ, ધરુ કે વનસ્પતીના ભાગો વાપરી શકાય છે (www.krushiprabhat.com)
આમ ખેડુત મિત્રો આપણે આપણી જમીન સુધારવાના વિચારથી સજીવ ખેતી કરી આટલી મોટી મહેનત કરી સજીવ પેદાશ ઉત્પન્ન કરતા હોય અને છેલ્લે ખબર પડે કે આપણે જે બીજ વાવેલ છે તેજ ખોટું છે અને તેના કારણે આપણને ઓર્ગેનીક સર્ટીફીકેશન મળી શકે તેમ નથી કે આપણું ઉત્પાદન કોઇ સજીવ તરીકે ખરીદવાવાળુ નથી ત્યારે આગ લાગે ત્યારે ખાડો ખોદવા જેવું લાગશે. એટલે કે બિયારણ પસંદગી યાદ આવશે.
તો પછી ગમે તે નામે સજીવ ખેતી કરતા હોઇએ પણ હંમેશા કાયદાને ના ભુલીએ. કાયદામાં રહી તેના ધોરણો સાથે રહી તેનો અમલ કરી ખેતી કરીશું તો હંમેશા અગ્રેસર રહીશું તેમાં કોઇ શંકાને સ્થાન નથી. (લેખક ઓર્ગેનિક સજીવ ખેતીનાં સલાહકાર અને નિવૃત ક્વોલિટી મેનેજર, ગોપકા, ગુજરાત છે. મો.9714633660)
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)