Updated - 2023-03-29 23:50:17
હીરજી ભીંગરાડિયા: ખાસ તો ખેતીના આધુનિક વિજ્ઞાને ખેડૂતોને ‘ સઘન ખેતી’ તરફ દોર્યા અને એવા બિયારણો શોધાયાં કે જે ટુંકા સમયમાં વધુ ઉત્પાદન આપી જાણે - પણ રખોપું અને ખાવા-પીવાનું ત્રણગણું માગે ! બીજીબાજુ જમીનના ઉપલા મીઠાતળના પાણી ડૂક્યા અને પિયતના પાણી પ્રશ્ને કોયડો વધુ વિકટ બન્યા પછી ઓછામાં ઓછું પાણી વાપરી તેનો વધુમાં વધુ લાભ ખેતીપાકો કેમ લઈ શકે-કહોને એક એકમ પાણીમાંથી વધુમાં વધુ વજન અને સારામાં સારી ગુણવત્તા,બન્ને રીતે ચડિયાતું ઉત્પાદન કેમ કરી મળતું થાય તેની ઘણીબધી તરકીબોની અને નુસ્ખાઓની અમલવારીમાંથી આવરણવાળી વાત ખેતી વ્યવસાયમાં વધુ સંભળાવા લાગી છે.
મલ્ચિંગ શેનું શેનું કરાય ?
[1] ઊભેલા પાક આસપાસની માટીનું = જે જમીનમાં પાકો ઉગાડ્યા છે તેના જ ચાસની બાજુની પાટલાની જમીનમાં ધારદાર સાધનનો દાબ આપી, ખોદી, ઉપર પાતળું પડ [નીચેના કઠ્ઠણ ‘ધડા’ થી છૂટી પડેલી માટી] બનાવી દીધું હોય તો તે નીચેની જમીન ઉપરનું-પોચી માટીનું પડ એ જ આવરણ [મલ્ચીંગ] બની જાય છે.આપણે આંતર ખેડના સાધનો – રાંપ,કરબડીકે ખૂરપી-દાતરડીથી આ કામ કાયમ કરતા જ હોઇએ છીએ. ફળવૃક્ષોમાં તેની ઘટાના ઘેરાવાની નીચે જ્યાં સાંતીકામ અશક્ય હોય ત્યાં કોદાળીના હળવા ગોડથી ઉપલી માટી છૂટી પાડી આ કામ કરી શકાય છે. બિલકુલ ખર્ચ વિનાનું, પૂરું સલામત અને આપણું પોતિકું, વર્ષોના અનુભવે ફાયદાવાળું સિધ્ધ થયેલું હાથવગું આવરણ છે આ !
[2]ખેત કચરાનું = આપણા ખેતીપાકો પાસેથી આડ પેદાશરૂપે ઝાડના પાંદડાં,ઘઉંનું કુંવળ, બાજરાના ઢૂંહા, ડાંગરનું પરાળ, શેરડીની પતરી, કપાસની સાંઠી, તલના તલહરા કે રાય,મગ,જીરુ કે શાકભાજીના છોડ-વેલાના દેહાવશેષો કે જે પહેલી નજરે બિનઉપયોગી દેખાતા હોય છે જે ખરેખર ખેડૂતની સંપતિ સમાન છે. તેનો આપણે જો આવરણ તરીકે ઉપયોગ કરવા લાગીએતો મલ્ચિંગ તરીકેના બધા હેતૂઓ બર લાવવા ઉપરાંત પોતે સડી – કોહવાઇ જઈ, માટીમાં ભળી જઈ, જમીનને સેંદ્રીય પદાર્થ પૂરો પાડી – કહોને જમીનને ‘સારાવાળી” બનાવવાનું અમૂલ્ય કામ માત્ર નજીવી મહેનત માત્રથી, કશાએ વધારાના ખર્ચ વિના કરી જાણે એવું આ આપણું પોતિકું હાથવગું આવરણ છે.
[3] ઝીણી રેતીનું = અમારો પંચવટીબાગ કાળુભાર નદીના કાંઠા પર જ આવેલો હોવા છતાં દર ઉનાળે વાડીના કૂવા-બોર તો પાણીની ખેંચ વરતાવતા જ હોય છે. પણ કાળુભારમાં રેતીનો ધરવ હોય છે. એટલે ઉનાળો આવ્યો નથી કે ફળઝાડોની નીચેની જગ્યામાં જ્યાં જ્યાં પિયતનું પાણી ટપકાવતા ડ્રીપરો આવેલા હોય ત્યાં તગારું તગારું રેતી પાથરી દેતા હોઇએ છીએ. ઝીણી અને માટી વિનાની ચોખ્ખી રેતી જો મળી શકે તેમ હોય તો ‘રેતી’ આવરણ માટે ઉત્તમ માધ્યમ પૂરવાર થયું છે. અભ્યાસ કરતા બરાબર માલૂમ પડ્યું છે કે માટીની સરખામણીએ રેતીમાં કેશાકર્ષણનો રેશ્યો નહિવત હોવાથી – બાષ્પીભવનમાં ઊડી જતા ભેજને રોકવાનું કામ માટી કરતા રેતી વધુ કામયાબીથી પાર પાડી શકતી હોય છે. વળી પાકનો સમય જ્યારે પૂરો થઇ જાય ત્યારે તેને જમીન ઉપરથી ઉપાડી બહાર ફેંકી દેવાને બદલે જમીનમાં જ કોદાળી જેવા સાધન વડે ગૉડ કરી જમીનમાં જ ભેળવી દેવાની. જેથી જમીન જો ચીકણી હોય તો તેનું બંધારણ સુધરી જઈ, તે પોચી અને ભરભરી બની જઈ, હવાની અવર-જવરમાં સુધારો થઈ અને નિતારશક્તિમાં પણ વધારો આવી જાય છે.ચીકણી જમીનમાં તો રેતી ‘જીપ્સમનો બાપ’ બની તેની ચિકાશ દૂર કરવાનું કામ કરી જાણે છે એવો વર્ષોનો અનુભવછે અમારો !
[4] પ્લાસ્ટિક શીટનું [પ્લાસ્ટિક ચાદરનું] = નાણાકીય સક્ષમતા હોય તેમણે આ આવરણ કર્યા જેવું છે.પ્લાસ્ટિકની પાતળી અપારદર્શક ફિલ્મનું, વાવેતરના ચાસ માટે લાંબા પટ્ટાઓ અને ઝાડના ખામણાના માપ પ્રમાણે ચોરસ કે ગોળ ટુકડાઓ કાપી , ફરતી બધી ધારો જમીનમાં દબાવી દઈ ઢાંકણ કરવામાં આવે છે.
જેમ પાતળી ફિલ્મ વાપરીએ એમ સસ્તુ પડે પણ ટકવામાં એટલું નબળું હોવાનું. રંગીન પ્લાસ્ટિક હોય એટલે સૂર્યપ્રકાશ આરપાર જાય નહીં અને નીચે નિંદામણ પણ ઉગે નહીં. વળી નીચેની ધરતીનું ઠંડી-ગરમી બન્ને બાબતોમાં સમધાતપણું રહેતું હોવાથી પાકના મૂળિયાનો વિકાસ સારો થાય, વળી ચૂસિયા જેવી જીવાતોમાં ખૂબ જ રાહત રહેતી હોવાથી ઉત્પાદનમાં આંખે દેખાય એવો વધારો જોવા મળતો હોય છે. થોડું ખર્ચાળ હોવા છતાં “પાણી” જ જ્યારે મર્યાદા મૂકનાર પરિબળ ઉપસ્થિત થયું હોય ત્યારે સોંઘું-મોંઘું ગણ્યા વિના કહોને એક ધર્મકાર્ય ગણી કરવાની ફરજ સમજવી જોઇએ.
મલ્ચિંગ ક્યા ક્યા પાકમાં થઈ શકે ? = કેટલાક એકદમ નજીક નજીકથી વવાતા ઘઊં,ડાંગર, રજકો, જીરૂ, મેથી, કે ભાજી જગતના પાકો ને બાદ કરતા ચાસબધ્ધ અને ઘણે ઘણે દૂરથી વવાતા તમામ શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયા,રોકડિયા તેમજ ફૂલો અને ફળોના કે ઔષધીય કે ઇમારતી ઝાડોમાં આવરણ કરી શકાય છે. ખેડૂતે પોતે પોતાની વાડીના છોડ અને ચાસ વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખી આવરણની રીત અખત્યાર કરવી જોઇએ.
આજે તરબૂચ, કેળ અને પપૈયાની ખેતીમાં બહુબધા ખેડૂતો પ્લાસ્ટિકશીટનું મલ્ચિંગ કરી પાણીના કરકસર પૂર્વકના ઉપયોગ ઉપરાંત રોગ-જીવાતમાં રાહત, નિંદામણ ખર્ચમાં ઘટાડો, અને મલ્ચિંગની નીચેની જમીનમાં પાકના મૂળને અને સૂક્ષ્મ જીવાણુઓને માફક એવી પરિસ્થિતિ પેદા કરી ઉત્પાદનમાં ઉત્તમ ગુણવતા વાળો અઢળક વધારો મેળવી રહ્યા છે.
અરે ! નવાઈ પમાડે એવી વાત તો હવે કરું કે જમીનની ઉપર ઉત્પાદન આપનારા પાકોમાં તો મલ્ચિંગની વાત સમજ્યા ભાઈ ! મગફળી જેવો પાક કે જેની શીંગોની બેઠક બધી જમીનની અંદર જ બેસીને વિકસતી હોય છે એવા મગફળીના પાકમાં પ્લાસ્ટિકશીટનું મલ્ચિંગ કરી આપણા સૌરાષ્ટ્ર-ગુજરાતની સરખામણીએ ત્રણગણું વધારે ઉત્પાદન આપણા પાડોશી દેશ ચાઇના ના ખેડૂતો મેળવી રહ્યા છે, જે હું જાતે જોઇને આવ્યો છું.