Updated - 2023-06-02 13:34:40
હીરજી ભીંગરાડિયાઃ “મલ્ચિંગ” જેવું રૂપકડું અને નવીન લાગતું નામ એ તો આધુનિક કૃષિ વિજ્ઞાનની ભેટ છે તેમાં ના નથી. પણ એનો અર્થ એવો જરીકેય કરવાની જરૂર નથી કે પહેલાના ખેડૂત વડવાઓમાં એના વિષેની સમજણ નહોતી ! પાકને હારબંધ [ચાસે] વાવવાની શરૂઆત પાછળનું મુખ્ય પ્રેરકબળ જ યેનકેન પ્રકારે જમીનમાંનો ભેજ પકડી રાખવાની ખેડૂતોની મથામણ અને કડાકૂટ જ બની હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવે છે.
ઊભી મોલાતના પાટલામાં કંઇક એવી પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી મોલાતને પાણીખેંચ ઓછી પડે ! અને એના ઉપાય રૂપે જ આંતરખેડ દ્વારા “પાંહ” પાડવાનું શરૂ કરાયું હશે ! હા, આંતરખેડથી જમીનમાંનો ઉડી જતો ભેજ રોકવાના વિરલ કામ ઉપરાંત એક બીજું પણ કામ ખેતીમાં ઉજળી ભાત પાડનારું કહી શકાય એવું “નિંદણનાશ” નું પણ થઈ જાય છે, પણ તેતો આ આંતરખેડ પ્રક્રિયાનું વધારાનું-બીજા નંબરનું કામ થયું ગણાય.”પાંહ” એ એક જાતનું ઐતહાસિક શોધસમુ અને ખેડૂતની પોતીકી સૂઝનું અસરકારક અને બિન ખર્ચાળ ‘મલ્ચિંગ’ જ છે. અને હજુ આગળ કહુ તો આજના વિજ્ઞાનયુગના “મલ્ચિંગ” નો પિતામહ પણ એ ‘પાંહ’ જ ગણાય.
આવરણ એટલે શું ? =આવરણ એટલે હોય એનાપર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે બહારના ઝંઝાવાતો સામે સલામતી અનુભવી શકે.
ખેતીપાકને કોના કોના પ્રકોપ વેડે ? = સામાન્ય પ્રક્રિયાઓનો ક્યારેય થાક લાગતો નથી. ખાવું, પીવું, ઉઠવું-બેસવું કે સૂવું વગેરે સહજ અને રોજિંદી પ્રવૃતિઓ ગણાય. પણ ક્યારેક દોડવાનું થયું હોય કે એકધારું જાગરણ કરી ઉજાગરો થયો હોય કે પછી લાંબો સમય ભૂખ્યા રહેવાનું બન્યું હોય ત્યારે શરીર થાક અને સુસ્તી અનુભવે છે. એમ ખેતી ધંધો આખો જ વનસ્પતિ ઉપર ઊભેલો હોઈ આ જગત સાથે ઝાઝું કામ પાડવાનું છે. અને આપણે સૌ એ વાતથી પૂરા વાકેફ છીએ કે પાકોના છોડવા, ઝાડવા અને વેલા બધા જીવિત હોય છે. એટલે વાતાવરણ જ્યાં સુધી સમધાત રહે, ત્યાં સુધી તો પોતાને જોઇએ તેવા ખોરાક-પાણી મળી રહેવાનાં. પોતાના જરૂરી જથ્થામાં કોઇ ખોટીરીતે ભાગ પડાવી વેડફી ન દે તો કંઇ વાંધો જ નથી. પણ વાસ્તવમાં એવું કાયમ બનતું નથી. પાકના મૂળ વિસ્તારમાં સંગ્રહાયેલાં ભેજ માંના કેટલાક જથ્થાને વાતાવરણમાં ફૂંકાતો પવન અને ઉપરથી વરસતી સૂરજની ગરમી-પોતાની સાથે લેતા જાય છે. એટલે મૂળ વિસ્તારમાં ભેજની એટલી કમીના [ખેંચ] ઊભી થાય છે. વળી પાકની શોક્ય સમાન નિંદામણના છોડવા ખોરાક-પાણી અને પ્રકાશમાં હરિફાઇ નોતરી પાકને ભીંસાય એટલો ભીંસવાનું જ બળ કર્યા કરે છે. ઉપરાંત જમીનની અંદરનાં વનસ્પતિના તંતુમૂળો અને સૂક્ષ્મ જીવાણુંઓને પૂરીરીતે કાર્યરત રહેવા માફકસરની ઠંડી-ગરમીની જગ્યાએ ક્યારેક વાતાવરણની અતિ ગરમી કે વધુ પડતી ઠંડી જમીનની અંદરનો મૂળ વિસ્તારનો ભાગ અતિ ગરમ કે અતિ ઠંડો બનાવી મૂકે છે. ત્યારે સૂક્ષ્મજીવો અને એના તંતુમૂળો આકળવિકળ થઈ જાય છે અને તેનું કામ ખોરંભે પડી જાય છે. જેની સીધી માઠી અસર પાકના વિકાસ અને ઉત્પાદન પર પડ્યા વિના રહેતી નથી.
મલ્ચિંગથી કેવા લાભો થાય ? =
[1] ભેજની જાળવણી = આમતો પાકને પિયત કરેલું પાણી હવામાં ઊડી જતું આપણે નજરો નજર ક્યારેય જોઇ શકતા નથી. પણ અમૂક કલાકો પછી જમીનમાં ભેજની ટકાવારી ઘટેલી અને વધુ કલાકો પછી જમીન સુકાયેલી જોઇ શકીએ છીએ. એનો અર્થ એ થયો કે જમીનની ઉપલી સપાટી સાથે વાતાવરણની ગરમ હવા અને તાપ સંસર્ગમાં આવતાં જમીનની ઉપલી સપાટીનો ભેજ વાતાવરણમાં શોષાઇ જાય છે.અને આટલેથી અટકે તો તો સારું, પણ નીચેની જમીનમાંથી પણ કેશાકર્ષણની નળીઓ દ્વારા ભેજ જમીનની સપાટી પર આવતો રહી હવામાં અલોપ થઈ જાય છે. આપણે આ પ્રક્રિયાને “ બાષ્પીભવન” કહીએ છીએ. જો જમીન ઉપર ઢાંકણ થયેલ હોય તો ઢાંકણની નીચેનો ભેજ હવામાં ઉડતો અટકે છે. પરિણામે પાકને પાણીની ખેંચ ઓછી પડે છે. પાક એટલું વધારાનું પાણી ઓછું માગે છે.
[2] નિંદામણ નિયંત્રણ = આપણ ખેડૂતોંને ખરેખરો ખ્યાલ છે કે જ્યાં બીજો કશાયનો છાંયડો પડતો હોય ત્યાં નીચે નિંદામણ ખાસ ઉગતું નથી, અને ઉગે તો ખાસ વિકસતું નથી. પણ જ્યાં સાવ ખુલ્લું હોય, સૂર્યપ્રકાશ પૂરેપૂરો મળતો હોય ત્યાં નિંદામણ અપરંપાર ઉગે છે અને બળિયાવર રીતે વધીને વિકસે છે. નિંદામણ તો પાકની “શોક્ય” યાને હરીફ જ ગણાય. ઢાંકણ કરેલી જમીનમાં નિંદામણને નાથવાનું કામ આપોઆપ થઈ જાય એટલે એ બહેકી જઈ પાકને રંઝાડી શકતું નથી. વળી મલ્ચિંગની નીચે ઉત્પન્ન થયેલી ગરમીમાં કેટલાક નિંદામણના બીજ બફાઇ મરતા હોવાથી ઉગવાની ક્ષમતા ગુમાવી બેસતા હોય છે.
[3] ટેંપરેચરની સમતુલા = વાતાવરણમાં ખૂબ જ ઠંડી હોય ત્યારે આવરણ નીચેની ધરતી એટલીબધી ઠંડી થઈ શકતી નથી. કારણ કે ઠંડીનો ચમકારો અને મૂંગોઠાર બધો આવરણ ઝીલી લે છે. અંદરની જમીન અને સૂક્ષ્મજીવોનું જીવન વિના અવરોધે એકધારું ધબકતું રહી શકે છે.
અને જ્યારે હવામાનનું તાપમાન ખૂબ જ ઊંચું હોય ત્યારે આવરણ નીચેની જમીન અંદરના જીવોને અકળામણ અનુભવાય કે જીવન વ્યવહાર મુશ્કેલીમાં મુકાઇ જાય તેવો બફારો પણ સહન કરવાનો થતો નથી. પરિણામે તંતુમૂળો અને અળસિયાં તથા અન્ય ઝીણાજીવો વધુ કાર્યરત રહી શકતા હોય છે.
[4] નુકશાન કારક જીવાતમાં રાહત = અમોને જાત અનુભવ છે કે ઉનાળુ મગફળીના પાકમાં ઉગાવો લેતાવેત ચૂસિયા જીવાતનો જોરદાર એટેક હોવાછતાં પ્લાસ્ટીકનું મલ્ચ કરેલ મગફળીમાં એ બીલકૂલ માઠી અસર ઉપજાવી શકતા નથી. જ્યારે ખુલ્લી જમીનવાળી મગફળીને અધમૂઇ કરી મૂકે છે.
[5] જમીનના પોતની ખેવના = જે જમીનનું બંધારણ ‘ગાંગડી’ સ્વરૂપનું હોય તે જમીન ઉત્તમ પ્રકારની ગણાય. આવા બંધારણને તોડવાનું ઉપરથી પડતા જોરદાર વરસાદની ઝાપટ માટે સાવ સહેલું છે. બંધારણમાં તોડફોડ થવાથી તેની ભૈતિક શિતિ, હવાની અવરજવર, ભેજ સંગ્રાહકશક્તિ અને નિતારશક્તિ બધામાં ડખલ ઊભી થાય છે. ઢાંકણ હોય તો વરસાદની સીધેસીધી મારકણી માઠી અસરથી કહોને જમીનની ‘હસ્તિ’ માટે ભયંકર ગણાય એવા ‘જમીન ધોવાણ’ ની નઠારી અસરમાંથી બચી જાય છે. કારણ કે તોફાની વરસાદની થપાટ ધરતીને લાગતા પહેલાં મલ્ચિંગ ઝીલી લે છે.બંધારણ બગડતું અટકે છે. જેનો પાક ‘વધુ વળતર’ ના રૂપમાં જવાબ આપી શકે છે.