Updated - 2023-03-29 08:42:34
રમેશ ભોરણિયા તા.૧૫ઃ વર્ષોથી જીરાની ખેતી કરતા બનાસકાંઠાના વાવ તાલુકાના દેથડી ગામના માનસીંગભાઇ ચૌધરી (મો.૯૭૨૫૩ ૬૬૦૪૨) કહે છે કે પાળાઢક ટનાટન જીરા ઉભા છે. જીરાને પિયત મુકાઇ ગયા છે. હવે, જીરાને મહિનો દિવસ સાચવી લેવું પડે. મોરબીના વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ખેતી ધરાવતા વીરાભાઇ સોનારા (મો.૭૬૨૧૦ ૩૬૦૭૬)એ પહેલી વખત જીરૂ વાવ્યું છે. તેઓ કહે છે કે પાંચ પિયત આપ્યા છે. જીરામાં કોઇક કોઇક છોડવા પીળા દેખાય છે, એનું કરવું શું ?
રાજકોટના તરઘડિયા ખાતે આવેલ સૂકી સંશોધન કેન્દ્રના ટેકનીકલ ઓફિસર વી. ડી. વોરા (Mobile: ૯૪૨૭૫૬૪૩૩૩) કહે છે કે જીરામાં લીલો સૂકારો દેખાય એટલે પાણી બંધ કરી દેવું. ૧૫ લીટરના પંપ મુજબ કાર્બેન્ડીઝમ ૨૦ ગ્રામનું દ્રાવણ કરી એકદમ ઘાટો છંટકાવ લેવો. ત્યાર પછી ક્યારામાં કોઇ પીળા છોડ દેખાય તો એની કોઇ સીધ્ધી જ અસરકર્તા દવા નથી. આ પીળિયો રોગ વાયરસ ફેલાવાથી થતો રોગ છે. એના માટે ચૂસિયા જીવાતનું તાત્કાલીક અસરથી નિયંત્રણ કરવું, કારણ કે ચૂસિયા જીવાત પીળિયાને ફેલાવવાનું કામ કરે છે.
પીળિયાનો સૌથી સારામાં સારો ઇલાજ કરવો હોય તો ખેડૂતે ખંભે વાવણિયો નાખી, આવા પીળા છોડ ઉપાડી ખેતરની બહાર ફેંકી દેવા જાઇએ. છેલ્લા બે-ત્રણ વર્ષથી પીળિયાનું પ્રમાણ વધતું જાઇ શકાય છે. હવે થોડો થોડો ઝાકળ આવશે, જે કાળિયા માટે ઘાતક નીવડી શકે છે. તેથી ખેડૂતે દર અઠવાડિયે વારા ફરતી, ડાયથેન એમ-૪૫ પંપ મુજબ ૪૦ ગ્રામનું દ્રાવણ કરી છંટકાવ કરવો. બીજા અઠવાડિયે હેક્ઝાકોનોઝોલ પંપ મુજબ ૨૫ એમએલનું દ્રાવણ કરી છંટકાવ લેવો. આ બંને દવાના છંટકાવથી કાળિયો અને ભૂકીછારો નિયંત્રણમાં લઇ શકાય છે. આમ છતાં પ્રતિકૂળ હવામાનને લીધે જીરાના છોડના નીચેના પાનની ટોચે જાંબલી કલરની ઝાંઇ દેખાય તો ડાયથેન એમ-૪૫નો વચ્ચે એકાદ વધારાનો સ્પ્રે કરી નાખવો. જીરાના પાકમાં આટલી કાળજી સાથે ખૂદ ખેડૂતનું કાયમ ને કાયમ જાત નિરીક્ષણ અગત્યનું છે.
(નોંધઃ કૃષિ પ્રભાતની વેબસાઈટ કે એપ્લિકેશનમાં પ્રસિધ્ધ થયેલા લેખ કે સમાચારનો આંશિક કે પૂરેપૂરો ભાગ કૃષિ પ્રભાતની મંજૂરી વગર પ્રસીધ્ધ કરવો નહીં.)