Updated - 2023-03-29 08:49:02
રમેશ ભોરણિયા તા.૨૦, ઉનાળાના પ્રારંભ સાથે પશુચારામાં ઉંચા ભાવનો બોકાસો બોલી ગયો છે. લીલાચારામાં ખાસ વાંધો નથી, પરંતું સૂકી કડબની પુરવઠા ખેંચને કારણે ઉંચા ભાવની ચાલ પકડાઇ ચૂકી છે. પશુપાલકો સતત ફરિયાદ કરી રહી છે કે ઘાસના વિતરણ અંગે સરકાર પુરતું ધ્યાન આપી શકી નથી. ઘણા ખેડૂતો અને માલધારીઓ ગૌવંશને ચારાના અભાવે ખીલેથી છોડી મુકે છે. એવું ગૌવંશ હરેક ગામડાના પાદરમાં રખડતું જોઇ શકાય છે.
શેરડીના આગરા સામાન્ય વર્ષોમાં પ્રતિમણ રૂ.30 થી રૂ.35માં વેચાતા હોય, એના હાલના સમયે બમણા ભાવ થઇ ગયાની વાત કરતા રાજકોટ લીલાપીઠાના ટ્રેડર્સ કલ્પેશભાઇ ગમારા (મો.81288 88835) કહે છે કે કોડિનાર તરફથી પશુચારા માટે આવતી શેરડીના પ્રતિ 20 કિલો રૂ.60 થી રૂ.65ના ભાવ છે. કરજણ તરફથી આવતા દાજિયા સૂકા શેરડીના આગરા રૂ.65 થી રૂ.70 સુધીના ભાવે વેચાય છે. રાજકોટના સ્થાનીક વિસ્તારમાંથી આવતી લીલી મકાઇ-જુવારના ભાવ રૂ.50 થી રૂ.70ના ભાવ છે.
કચ્છમાં રાપર વિસ્તારના ખીરઇ ગામે ડાંગર ઘાંસની ગાંસડીઓનું પ્રતિકિલો રૂ.2ના ભાવથી પશુપાલકોને કાર્ડ ઉપર વિતરણ થતું નજરે જોયું હતું. પશુપાલકો ફરિયાદ કરતા કહેતા હતા કે આ ડાંગર ઘાંસ જોઇ એવું પશુઓ ખાતા નથી. પશુઓ આગળ કાંઇ નાખવાનું ન હોય, ત્યારે ન છૂટકે પશુઓ પેટ ભરતા હોય છે.
કચ્છ આધોઇ પંથકના ખેડૂત મનજીભાઇ ભુટક (મો.94284 70277) કહે છે કે ભચાઉના આધોઇ આજુબાજુના પ કિ.મી. વિસ્તારમાં બોરના પાણીથી લીલાચારાનું મોટું વાવેતર છે. તેથી લીલાચારો પ્રતિકિલો રૂ.2ના ભાવથી પુષ્કળ મળે છે. હાલ ગાજર અને મકાઇની આવકો છે, એ ખૂટશે, ત્યાં મહુડો બાજરો તૈયાર થઇ જશે. લીલાચારા સામે સૂકાચારામાં મોટી ખેંચ છે.
સૂકાચારાની કડબના ભાવમાં ભડકો...
રાજકોટ લીલાપીઠાના કલ્પેશભાઇ ગમારા કહે છે કે આલા-લીલી જુવારના પ્રતિમણ રૂ.170 થી રૂ.200ના ભાવ છે. તેની સામે ભાલ, સુરેન્દ્રનગર, વિરમગામ તરફથી આવતી કડબના રૂ.280 થી રૂ.290ની બજાર છે. આધોઇના મનજીભાઇ ભુટક કહે છે કે પ્રતિ 40 કિલો મુજબના મણ કડબ રૂ.500ના ભાવે પણ મળવી મુશ્કેલ બની છે.