Updated - 2023-06-02 13:34:36
અમદાવાદ તા.૧૬ઃ ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાથી પશુચારાની મોટી અછત જોવા મળી રહી છે અને ભાવ પણ આસમાને પહોંચી ગયાં છે. ગુજરાતમાં પશુચારાની તંગીને કારણે ખાસ કરીને પાંજરાપોળની ગાયોની સ્થિતિ વધુ દયનીય બની ગ ઈ છે. હાલ ગુજરાતમાં અનેક વિસ્તારમાં પશુચારા માટે ગમે તેટલા રૂપિયા આપવા છત્તા મળતો નથી. જેને પગલે ગાયો તડફડી રહી છે.
વિરમગામ પાસેની વિરપુર પાંજરાપોળમાં આશરે ૩થી ૪ હજાર ગાયોઆવેલી છે અને છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન લીલોચારો ન મળી રહ્યો હોવાથી ગાયોની હાલત દયનીય બની ગઈ છે. વિરપુર પાંજરાપોળનાં અંતર્ગત સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસથી લીલો ચારો ન મળ્યો હોવાથી રોજની આશરે ૧૨થી ૧૫ ગાયોનું મરણ થાય છે અને અનેક ગાયો માંદી પડી રહી છે. વરસાદનાં અભાવે લીલા ઘાસચારાની તંગી છે અને ભાવ પણ વધી ગયાં છે. સરકાર દ્વારા હાલ મદદ થાય તો જ ગાયોને પુરતો ચારો મળી શકે તેમ છે.
પાંજરાપોળની આવી વેદના સાંભળીને ૧૫મી ઓગસ્ટનાં રોજ અમદાવાદ સ્થિતિ ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા વિરમગામની બંને પાંજરાપોળ જઈને ગાયોને ઘાસ અને ભુસું ખવાડવામં આવ્યું હતું. આ અંગે ફાઉન્ડેશનનાં કન્વીનર ગૌરાંગ મહેતા (Mobile:9558354715) એ 'કૃષિ પ્રભાત' ને જણાવ્યું હતું કે વિરમગામની વિરપુર પાંજરાપોળને ત્રણ-ત્રણ દિવસથી લીલો ઘાસચારો મળ્યો નથી, જેને પગલે ગાયો અશક્ત બની રહી છે. અમારા ફાઉન્ડેશન દ્વારા દર મહિને એક-એક હજાર ઉઘરાવીને જીવદયા SIP શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યારે ૧૨૫થી પણ વધુ લોકો જોડાયેલા છે. આ અંતર્ગત અમે જે રકમ એકઠી થાય તે અલગ-અલગ પાંજરાપોળમાં જઈને ગાયોને ઘાસ, ખોળ, ભુસું કે ગોળ ખવડાવીએ છીએ. વિરમગામની વિરપુર સ્થિત પાંજરાપોળની આવી સ્થિતિની જાણ અમને થત્તા અમે ૧૫મી ઓગસ્ટનાં દિવસે પાંજરાપોળ આવીને એક ટ્રેકટર જેટલું ઘાસ ખવડાવ્યું હતું. જ્યારે વિરમગામ ખાતે ગામમાં આવેલી પાંજરાપોળમાં ભુસું ખવડાવ્યું હતું. હાલ ગુજરાતમાં લીલા ઘાસચારાની ખૂબ જ તંગી છે, જેને પગલે જીવદયા પ્રેમીઓને વિનંતી છે કે પાંજરાપોળની ગાયો માટે બને તેટલું હાલવધારે કાર્ય કરે.
રાજકોટનાં કૃષિ પત્રકાર રમેશ ભોરણિયા (Mobile:9925454998) એ 'કૃષિ પ્રભાત' ને જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં વરસાદ ન હોવાથી લીલા ઘાસચારાની મોટી તંગી છે અને ભાવ પણ વધી ગયાં છે. ગુજરાતમાં હાલ લીલો ઘાસચારો સરેરાશ રૂ.૬૫થી ૧૦૦ પ્રતિ મણ મળે છે. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રમાં આવતા ઘાસચારાની ગાડીઓ હાલ સાવ બંધ થઈ ગઈ છે. સુરેન્દ્રનગર -ઉત્તર ગુજરાત અને કચ્છમાં અનેક વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં ચારાની વધારે અછત હોવાથી ભાવ ઊંચકાયાં છે.